Loading Please Wait !!!
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભયાનક અસર: શેરબજાર અને સોના-ચાંદીમાં પ્રચંડ કડાકો

  • સેન્સેક્સ 925 પોઈન્ટ તૂટ્યો, ચાંદી 6547 રૂપિયા ગગડી, ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો
  • રોકાણકારોને રાતોરાત મોટું નુકસાન, નિફ્ટીમાં 296 પોઈન્ટનો અને સોનામાં 1998 રૂપિયાનો કડાકો
  • બ્રેન્ટ ક્રૂડ 96.40 ડોલરને પાર, 1 ડોલર સામે રૂપિયો ગગડીને 95.23 પર પહોંચ્યો

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ફરી એકવાર મિડલ ઈસ્ટમાં ભયાનક યુદ્ધ ફાટી નીકળતા અને બંને દેશો દ્વારા એકબીજા પર બેલેસ્ટિક મિસાઈલો ઝીંકાતા આખી દુનિયાના શેરબજાર સરેઆમ ધરાશાયી થઈ ગયા છે. આ મહાયુદ્ધની સૌથી ખતરનાક અને સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. યુદ્ધની આકરી દહેશત વચ્ચે સોમવારે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં એકઝાટકે 925 પોઈન્ટનો પ્રચંડ કડાકો બોલાઈ ગયો હતો. થોડી રિકવરી બાદ સેન્સેક્સ 800 પોઈન્ટ તૂટીને 73471.78 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ શુક્રવારે 23336.70 પર બંધ થયેલો નિફ્ટી સીધો 296 પોઇન્ટના કડાકા સાથે 23070 પર પટકાયો હતો અને સમાચાર લખાય છે ત્યાં સુધી 23134 પર માંડ શ્વાસ લઈ રહ્યો છે.

શેરબજારના રક્તપાતની સાથે સાથે બુલિયન માર્કેટ એટલે કે સોના-ચાંદીના બજારમાં પણ રોકાણકારોનો સરેઆમ કચ્ચરઘાણ નીકળી ગયો છે. વાયદા બજારમાં શુક્રવારે સોનાનો ક્લૉઝિંગ રેટ 155594 રૂપિયા હતો, જે આજે સીધો 1998 રૂપિયાના મસમોટા કડાકા સાથે 153596 રૂપિયા સુધી ગગડી ગયો હતો. ચાંદીની સ્થિતિ તો સોના કરતાં પણ વધુ ભયાનક છે. શુક્રવારે ચાંદી 248537 રૂપિયાના ઉંચા ભાવે ક્લૉઝ થઇ હતી, પરંતુ આજે ખુલતા બજારે જ તેમાં સીધો 6547 રૂપિયાનો પ્રચંડ કડાકો બોલાઈ જતા તે 241990 રૂપિયાના તળિયે જઈને પટકાઈ હતી. આ હાઈ-વોલ્ટેજ કડાકાઓથી રોકાણકારોને રાતોરાત લાખો-કરોડો રૂપિયાનું ભયાનક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

એક તરફ માર્કેટ તૂટી રહ્યું છે, તો બીજી તરફ બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવમાં ભયાનક ભડકો થતા દુનિયાભરમાં મોંઘવારીનો નવો વિસ્ફોટ થવાની દહેશત સર્જાઈ છે. આજે 3.31 ડૉલરના જંગી ઉછાળા સાથે બ્રેન્ટ ક્રૂડ 96.40 ડૉલરની સપાટીને પાર કરી ગયું છે. યુદ્ધની આ આગ વચ્ચે ભારતીય રૂપિયો પણ ડૉલર સામે સરેઆમ ઘૂંટણિયે પડી ગયો છે. આજે રૂપિયો 29 પૈસાની નબળાઈ સાથે ગગડીને ડૉલર સામે 95.23 ની નીચલી સપાટીને કૂદાવી ગયો છે. ક્રૂડના વધતા ભાવ અને કમજોર પડતો રૂપિયો દેશમાં પેટ્રોલ-ડીઝલ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવને આસમાને પહોંચાડીને આમ આદમીની કમર તોડી નાખશે તે નિશ્ચિત છે.

રોકાણકારોના શ્વાસ અધ્ધર: યુદ્ધ લાંબુ ચાલશે તો માર્કેટ તળિયે બેસશે

ઈરાન અને ઈઝરાયલના આક્રમક વલણને જોતા આ યુદ્ધ લાંબુ ખેંચાય તેવી પૂરી શક્યતા છે. જો મિડલ ઈસ્ટમાં તણાવ વધુ વકરશે તો ભારતીય માર્કેટમાં હજુ પણ મોટા અને ભયાનક કડાકા જોવા મળશે. વિદેશી રોકાણકારો માર્કેટમાંથી પૈસા પાછા ખેંચી રહ્યા છે, જેને પગલે સેન્સેક્સ અને નિફ્ટી ગમે ત્યારે ઐતિહાસિક નીચલી સપાટીએ જઈ શકે છે અને રોકાણકારો પાયમાલ થઈ શકે છે.