Loading Please Wait !!!
સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: કાપડની 3 દુકાનો બળીને ખાખ, લાખોનું નુકસાન

 

  • સુરતના વ્યસ્ત રિંગ રોડ પર આવેલી મિલેનિયમ માર્કેટ-1 માં બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી.

  • પહેલા માળે આવેલી વૈષ્ણવી ક્રિએશન નામની દુકાનમાંથી શરૂ થયેલી આગે આસપાસની ૩ દુકાનોને ઝપેટમાં લીધી.

  • ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કરી 7 સ્ટેશનની 14 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે તૈનાત કરી હતી.

    સુરત: ટેક્સટાઈલ સિટી સુરતના વેપારી મથક રિંગ રોડ પર આજે બપોરે ફરી એકવાર આગની ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. કમેલા દરવાજા નજીક આવેલી જાણીતી મિલેનિયમ માર્કેટ-1 માં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટા દુર-દુર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા. સદનસીબે, ફાયર વિભાગની સમયસરની કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

    ઘટનાની વિગતો મુજબ, માર્કેટના પહેલા માળે આવેલી દુકાન નંબર 69-71 (વૈષ્ણવી ક્રિએશન) માં બપોરે 12:48 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. દુકાનમાં કાપડનો વિપુલ જથ્થો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને નજીકની અન્ય ત્રણ દુકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. આગ લાગતા જ માર્કેટમાં રહેલા વેપારીઓ અને શ્રમિકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. કેટલાક વેપારીઓએ જીવના જોખમે દુકાનમાંથી માલ બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા.

    આગની ગંભીરતાને જોતા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક 'બ્રિગેડ કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. રિંગ રોડ પર કાયમી ટ્રાફિક જામની સમસ્યા રહેતી હોવાથી, ફાયરની ગાડીઓ ફસાય નહીં તે માટે પોલીસે તત્કાલીક હસ્તક્ષેપ કરી ગ્રીન કોરિડોર પૂરો પાડ્યો હતો. આ મદદને કારણે સાત અલગ-અલગ ફાયર સ્ટેશનની 14 થી વધુ ગાડીઓ ગણતરીની મિનિટોમાં ઘટનાસ્થળે પહોંચી શકી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

    ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે માહિતી આપતા જણાવ્યું હતું કે, માર્કેટની અંદર ધુમાડાનું પ્રમાણ અત્યંત વધુ હોવાથી ફાયર ફાઈટરોને અંદર પ્રવેશવામાં શરૂઆતમાં મુશ્કેલી પડી હતી. જોકે, ટીમ દ્વારા ઓક્સિજન માસ્ક પહેરીને અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને આગને અન્ય માળ પર ફેલાતી અટકાવી દેવામાં આવી હતી. લગભગ બે કલાકની જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી અને ત્યારબાદ કુલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

    પ્રાથમિક તપાસમાં આ ભીષણ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતા વેપારીઓ પર આર્થિક સંકટ તોળાયું છે. ઉલ્લેખનીય છે કે, સુરતની ટેક્સટાઈલ માર્કેટોમાં વારંવાર આગની ઘટનાઓ બનતી હોવા છતાં ફાયર સેફ્ટીના નિયમોના ચુસ્ત અમલીકરણ અંગે ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. હાલમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માર્કેટમાં ફાયર સિસ્ટમ કાર્યરત હતી કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.