જામનગર બન્યું બોલિવૂડ નગરી: અનંત અંબાણીના જન્મદિને સિતારાઓનો મેળો, આજે રાજભા ગઢવીની જામશે રમઝટ!
- કિંગ ખાનથી લઈ ભાઈજાન સુધીના માંધાતાઓ વનતારાના મહેમાન – જોગવડમાં લોકસાહિત્યનો મહાકુંભ
- સાળંગપુર હનુમાનજીના ચરણે 10 Crore ની ગૌ-સેવા – શાહરુખ, સલમાન અને રણવીરના આગમનથી એરપોર્ટ ઝાકઝમાળ
- એ.આર. રહેમાનના સૂર અને સાઈરામ દવેનું હાસ્ય – રિલાયન્સ ગ્રીન્સમાં સેલિબ્રિટીઝનો જમાવડો
જામનગરના આંગણે અત્યારે બોલિવૂડના માંધાતાઓની માયાનગરી જાણે સજીવન થઈ હોય તેવો માહોલ સર્જાયો છે. રિલાયન્સ પરિવારના લાડકવાયા અનંત અંબાણીના 31માં જન્મદિવસની ઉજવણી માટે ગ્લેમર જગતના સિતારાઓનો કાફલો જામનગર એરપોર્ટ પર ઉતર્યો છે. 'કિંગ ખાન' શાહરુખ ખાનથી લઈને 'ધૂરંધર' રણવીર સિંહ સુધીના કલાકારો લક્ઝરી ગાડીઓના રસાલા સાથે વનતારાના સાનિધ્યમાં પહોંચ્યા છે. આ હાઈ-પ્રોફાઈલ મુલાકાતોને પગલે એરપોર્ટથી લઈ મોટી ખાવડી સુધીના માર્ગો પર ભારે ઉત્સાહ અને સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત જોવા મળી રહ્યો છે.
ઉજવણીના પ્રારંભમાં જ ગત 07 April ના રોજ વિશ્વવિખ્યાત સંગીત સમ્રાટ એ.આર. રહેમાને જામનગરની ધરા પર કદમ મૂક્યા હતા. ત્યારબાદ શાહરુખ ખાન પોતાની પત્ની ગૌરી અને પુત્ર અબ્રામ સાથે રાજવી અંદાજમાં પહોંચ્યા હતા. સાઉથના સુપરસ્ટાર રામ ચરણ અને બોલિવૂડના 'ભાઈજાન' સલમાન ખાનની એક ઝલક મેળવવા માટે ચાહકોની ભારે મેદની ઉમટી પડી હતી. રણવીર સિંહની ધમાકેદાર એન્ટ્રી અને અનન્યા પાંડેના બાર્બી લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ તમામ મહેમાનો રિલાયન્સ ગ્રીન અને કુદરતના ખોળે વસેલા વનતારાના મહેમાન બન્યા છે.
આ ભવ્ય જશ્નના ભાગરૂપે આજે 09 April ના રોજ મોટી ખાવડી પાસે આવેલા જોગવડ ગામમાં લોકસંસ્કૃતિના મહાકુંભ સમાન ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંચ પરથી લોકસાહિત્યના દિગ્ગજ કલાકારો રાજભા ગઢવી અને સાઈરામ દવે લોકસાહિત્યની રમઝટ બોલાવશે. અંબાણી પરિવારના સભ્યોની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિના દર્શન થશે. આ ડાયરામાં લોકસાહિત્ય અને હાસ્યની સરવાણી વહેશે, જે મહેમાનો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
અંબાણી પરિવારે અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે 'સેવા પરમો ધર્મ'ના મૂળમંત્રને પણ સાર્થક કર્યો છે. આ પવિત્ર અવસરે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ₹10 કરોડની માતબર રકમ ગૌ-સેવા માટે અર્પણ કરવામાં આવી છે, જેનાથી અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ થશે. આ ઉપરાંત, પારસધામ ગિરનાર ખાતે ગૌમાતાને 56 ભોગ અર્પણ કરવામાં આવ્યા હતા. મુંબઈના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદોને કરિયાણાની કીટ અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરીને પરિવારે ઉદારતાનો પરિચય આપ્યો છે.
આવતીકાલે 10 April ના રોજ અનંત અંબાણીનો જન્મદિવસ હોય, તેને લઈને જામનગરમાં હજુ વધુ સેલિબ્રિટીઝના આગમનની શક્યતા છે. એરપોર્ટ પર બોની કપૂર, રિતેશ દેશમુખ, જેનિલિયા અને ઓરી જેવા સ્ટાર્સની હાજરીથી શહેર ઝાકઝમાળથી ભરાઈ ગયું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન અને ખાનગી એજન્સીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જામનગરના આંગણે યોજાઈ રહેલો આ જલ્સો માત્ર ગ્લેમર જ નહીં, પણ સેવા અને સંસ્કૃતિનો અનોખો સંગમ સાબિત થઈ રહ્યો છે.