Loading Please Wait !!!
જામનગર ભાજપમાં 'આયાતી' ઉમેદવારોનો દબદબો: પૂર્વ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના દિગ્ગજોના પતા કાપી કોંગ્રેસથી આવેલાને લોટરી!

  • જામનગર ભાજપમાં 'આયાતી' ઉમેદવારોનો દબદબો: પૂર્વ મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના દિગ્ગજોના પતા કાપી કોંગ્રેસથી આવેલાને લોટરી!
  • નિષ્ઠાવાન કાર્યકરોમાં ભારે રોષ – પક્ષના સક્રિય સભ્યો નથી તેવા ચહેરાઓને ટિકિટ આપતા સંગઠનમાં ભડકો
  • પૂર્વ ડેપ્યુટી મેયર અને દંડક આઉટ – અન્ય વોર્ડના નેતાઓને પરાણે થોપવામાં આવતા સ્થાનિકોમાં નારાજગી

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના રણમેદાનમાં ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદી પક્ષના જ જૂના જોગીઓ માટે ઝટકા સમાન સાબિત થઈ છે. વર્ષો સુધી પક્ષનું લોહી-પરસેવો પાડી સંગઠન મજબૂત કરનારા પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન જેવા ટોચના હોદ્દેદારોની છેલ્લી ઘડીએ બાદબાકી કરી દેવામાં આવી છે. આ યાદીમાં સૌથી વધુ ચર્ચિત બાબત એ છે કે ભાજપે પોતાના નિષ્ઠાવાન કાર્યકરો કરતા કોંગ્રેસમાંથી આવેલા 'આયાતી' નેતાઓ પર વધુ પસંદગીનો કળશ ઢોળ્યો છે.

પક્ષની 'નો-રિપીટ' થીયરી અને નવા સમીકરણોના નામે વિનોદ ખીમસુરીયા, નિલેશ કગથરા અને ક્રિષ્નાબેન સોઢા જેવા સક્ષમ ચહેરાઓને ઘરે બેસાડી દેવાયા છે. કાર્યકરોમાં એવી ચર્ચા છે કે જે લોકો પક્ષના સક્રિય સભ્ય પણ નથી અથવા તો જે તે વોર્ડની ભૌગોલિક સ્થિતિથી અજાણ છે, તેવા 'પેરાશૂટ' ઉમેદવારોને ટિકિટ આપીને પક્ષે જોખમ ખેડ્યું છે. કેટલાક ઉમેદવારોને તેમના મૂળ વિસ્તારને બદલે અન્ય વોર્ડમાં મોકલવામાં આવતા સ્થાનિક કાર્યકરોમાં 'ઓરમાયું વર્તન' થતું હોવાની લાગણી જન્મી છે.

વિપક્ષો માટે જીતની તક? ભાજપના આ આંતરિક અસંતોષને કારણે વિપક્ષી દળો કોંગ્રેસ, આમ આદમી પાર્ટી (AAP) અને બહુજન સમાજ પાર્ટી (BSP) સક્રિય થઈ ગયા છે. તાજેતરમાં જ કેશુભાઈ માડમના પક્ષ પલટા બાદ હવે અન્ય નારાજ નેતાઓ પણ વિપક્ષનો હાથ પકડી શકે છે તેવી અટકળો તેજ બની છે. નિષ્ઠાવાન કાર્યકરોનું કહેવું છે કે, "બહારથી આવેલાને મહત્વ આપવું એ પક્ષ માટે લાંબા ગાળે આત્મઘાતી સાબિત થઈ શકે છે."

રાજકોટના રાજકારણીઓ પણ જામનગરના આ સમીકરણો પર નજર રાખી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરે છે અને શું 'આયાતી' ઉમેદવારો કમળ ખીલવવામાં સફળ રહે છે કે નહીં.