જામનગર મહાનગરપાલિકા ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ: વોર્ડ-16 માં 27 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ
-
જામનગર મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 16 માં સૌથી વધુ 27 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
-
વોર્ડ નંબર 2 માં સૌથી ઓછા માત્ર 8 ઉમેદવારો હોવાથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થશે.
-
વોર્ડ નંબર 15 માં 24 અને વોર્ડ નંબર 1 માં 20 ઉમેદવારો મેદાનમાં છે.
જામનગર: જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તમામ 16 વોર્ડનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જામનગરના રાજકારણમાં આ વખતે વોર્ડવાર ઉમેદવારોની સંખ્યામાં ભારે અસમાનતા જોવા મળી રહી છે, જેના કારણે કેટલીક બેઠકો પર સીધો જંગ તો કેટલીક જગ્યાએ ભારે રસાકસી જોવા મળશે.
ચૂંટણી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી અંતિમ યાદી મુજબ, વોર્ડ નંબર 16 માં સૌથી વધુ 27 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આ વોર્ડમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપરાંત મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોએ ઝંપલાવ્યું હોવાથી મતોનું વિભાજન કોને ફળશે તે જોવું રસપ્રદ રહેશે. બીજી તરફ, વોર્ડ નંબર 2 માં સૌથી શાંત જંગ જોવા મળી રહ્યો છે, જ્યાં માત્ર 8 જ ઉમેદવારો મેદાનમાં છે. અહીં ભાજપ અને કોંગ્રેસે ચાર-ચાર ઉમેદવારો ઉભા રાખ્યા હોવાથી બંને પક્ષો વચ્ચે સીધો જ મુકાબલો થશે.
અન્ય વોર્ડની સ્થિતિ જોઈએ તો વોર્ડ નંબર 15 માં 24 અને વોર્ડ નંબર 9 માં 21 ઉમેદવારો વચ્ચે ટક્કર થશે. વોર્ડ નંબર 1 અને 12 માં પણ 20-20 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. જ્યારે વોર્ડ નંબર 3 માં માત્ર 9 ઉમેદવારો વચ્ચે મુકાબલો થશે. જામનગરના રાજકીય વિશ્લેષકોના મતે, જ્યાં ઉમેદવારોની સંખ્યા વધુ છે ત્યાં અપક્ષો મુખ્ય પક્ષોના સમીકરણો બગાડી શકે છે. ખાસ કરીને વોર્ડ નંબર 16, 15 અને 9 માં બહુકોણીય જંગ જામવાની પૂરેપૂરી શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે જામનગરની જનતા કોના પર કળશ ઢોળે છે.
વોર્ડ નંબર ઉમેદવારોની સંખ્યા વોર્ડ નંબર ઉમેદવારોની સંખ્યા વોર્ડ-16 27 (સૌથી વધુ) વોર્ડ-6 19 વોર્ડ-15 24 વોર્ડ-13 18 વોર્ડ-9 21 વોર્ડ-4 12 વોર્ડ-1 & 12 20 વોર્ડ-2 8 (સૌથી ઓછા)