Loading Please Wait !!!
જામનગર મ્યુનિસિપલ કમિશનર એક્શન મોડમાં: શહેરના ફ્લાયઓવર અને રોડ પ્રોજેક્ટ્સનું કર્યું સ્થળ નિરીક્ષણ!

  • "કામમાં વેઠ ઉતારી તો ખેર નથી" – કમિશનર ડી.એન. મોદીએ ગુણવત્તા બાબતે અધિકારીઓને આપી કડક તાકીદ
  • ખંભાળિયા રોડ સિક્સ લેનથી લઈને રંગમતી રિવર બ્રિજ સુધીના પ્રોજેક્ટ્સની કમિશનરે લીધી સાઈટ વિઝિટ
  • રણમલ લેક પાર્ટ-2 ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર ખાસ ધ્યાન – ટેન્ડર મુજબની ગુણવત્તા જાળવવા સૂચના

જામનગર શહેરના આંતરમાળખાકીય વિકાસ માટે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટ્સમાં ઝડપ લાવવા અને ગુણવત્તા જાળવવા માટે મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદી એક્શન મોડમાં જોવા મળ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા રોડ વર્ક, બ્રિજ પ્રોજેક્ટ્સ અને સીટી બ્યુટીફિકેશનના કામોનું કમિશનરે ઉચ્ચ અધિકારીઓના કાફલા સાથે રૂબરૂ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં સૂચના આપી હતી કે તમામ કામો નિર્ધારિત સમય મર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે પૂર્ણ થવા જોઈએ.

કમિશનર મોદીએ ખાસ કરીને શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન ખંભાળિયા રોડને સિક્સ લેન વાઈડનીંગ કરવાના કામની ઝીણવટભરી તપાસ કરી હતી. આ ઉપરાંત, ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અત્યંત મહત્વના એવા સમર્પણ સર્કલ, લાલપુર બાયપાસ અને ઠેબા બાયપાસ જંકશન પર બની રહેલા ફ્લાયઓવર બ્રિજના કામોની પ્રગતિની સમીક્ષા કરી હતી. કાલાવડ નાકા પાસે રંગમતી નદી પર બની રહેલા રિવર બ્રિજ અને રેલવે ઓવર બ્રિજ (એલ.સી. નં-201) ની સાઈટ પર જઈને પણ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

શહેરની સુંદરતા વધારવા માટે ચાલી રહેલા રણમલ લેક (લાખોટા તળાવ) પાર્ટ-2 ના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પર કમિશનરે ખાસ ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે સાઈટ પર થતું કામ ટેન્ડરના સ્પેસિફિકેશન મુજબ જ હોવું જોઈએ. જો રોડ મરામત કે અન્ય કોઈ પણ કામમાં ગુણવત્તા સાથે બાંધછોડ જણાશે તો જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે. રોડ મરામતના કામો 'યુદ્ધના ધોરણે' હાથ ધરવા તેમણે નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને સીટી ઈજનેર બી.એન. જાનીને સૂચના આપી હતી.

જામનગરના નાઘેડી, લાલપુર અને કાલાવડ રોડ પર બની રહેલા નવા ફાયર સ્ટેશનોની મુલાકાત લઈને પણ તેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટની જેમ જ જામનગર પણ હવે ફ્લાયઓવર અને હાઈ-વે કનેક્ટિવિટી ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે કમિશનરનું આ પ્રકારનું સીધું નિરીક્ષણ શહેરના વિકાસને નવી ગતિ આપશે તેવું જણાય છે. આગામી ચોમાસા પૂર્વે મોટાભાગના રસ્તાઓના રિપેરિંગ કામો પૂર્ણ કરી લેવાનો લક્ષ્યાંક મનપા પ્રશાસને રાખ્યો છે.