Loading Please Wait !!!
બુલેટ ટ્રેન માટે હાઈટેક પાવર ગ્રીડ સિસ્ટમ!

  • ચૌદ અદ્યતન ટ્રેક્શન સબસ્ટેશન ઊભા કરવામાં આવશે!
  • ગુજરાતમાં નવ અને મહારાષ્ટ્રમાં પાંચ સબસ્ટેશન!
  • બીલીમોરા ખાતે પ્રથમ સબસ્ટેશન કામ પૂર્ણતાના આરે!

સિટી ન્યુઝ @ સુરત : દેશના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનને પાટા પર પૂરપાટ દોડાવવા માટે હાઈ-સ્પીડ પાવર નેટવર્ક તૈયાર કરવાની કામગીરી હવે આખરી ઓપ લઈ રહી છે.

હાઈ-સ્પીડ ટ્રેનને અવિરત અને સુરક્ષિત વીજળી પૂરી પાડવા માટે સમગ્ર 508 કિલોમીટર લાંબા કોરિડોર પર કુલ 14 અદ્યતન ટ્રેક્શન સબસ્ટેશન (TSS) ઊભા કરવામાં આવી રહ્યા છે.

આ યોજના અંતર્ગત ગુજરાતમાં વાપી, બીલીમોરા, સુરત સહિત 9 સબસ્ટેશન અને મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે સહિત 5 સબસ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યાં છે.

નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આશરે 18,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું દેશનું પ્રથમ સબસ્ટેશન લગભગ તૈયાર થઈ ગયું છે, જ્યાં હાલ ટેસ્ટિંગ અને કમિશનિંગની પ્રક્રિયા ચાલી રહી છે.

ગુજરાત સેક્શનમાં ગેટકોના અંબેઠા ગ્રીડમાંથી વીજળી મેળવીને 2 × 25 kV ટ્રેક્શન પાવર સિસ્ટમ દ્વારા ઓવરહેડ વાયરો સુધી વીજ પુરવઠો પહોંચાડવામાં આવશે, જેના પર સેન્ટ્રલાઈઝ્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા 24 કલાક રિયલ-ટાઈમ નજર રાખવામાં આવશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર

કોઈપણ દેશમાં હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટની સફળતા માત્ર ટ્રેનની ઝડપ પર જ નહીં, પરંતુ તેના બેકએન્ડ પાવર ગ્રીડ અને સુરક્ષા વ્યવસ્થા પર પણ નિર્ભર હોય છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે તૈયાર થઈ રહેલી આ હાઈટેક પાવર સપ્લાય સિસ્ટમ દર્શાવે છે કે ભારત રેલવે ક્ષેત્રે વૈશ્વિક ધોરણો અપનાવીને કેવા મોટા પરિવર્તનો તરફ આગળ વધી રહ્યો છે. ક્ષણભરનો પણ વીજ વિક્ષેપ ન પડે તે માટે ઓટોમેટેડ કંટ્રોલ અને અત્યાધુનિક સબસ્ટેશનોની રચના એ દેશના એન્જિનિયરિંગ કૌશલ્યનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.