વડોદરા શહેર અને જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ૧૫૦ લોકોનું સુરક્ષિત રેસ્ક્યૂ!
-
ગઈકાલે મોડી સાંજથી વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી.
-
હોસ્ટેલમાં કમર સુધી પાણી ભરાતા ટ્રેક્ટરમાં બેસાડીને લોકોને સલામત સ્થળે ખસેડાયા.
-
સ્થાનાંતરિત વિદ્યાર્થીઓ માટે ભોજન, પીવાનું પાણી અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.
સિટી ન્યુઝ @ વડોદરા
વડોદરા, વડોદરા શહેર અને જિલ્લામાં ગઈકાલે ૩૧ જુલાઈએ મોડી સાંજ બાદ ભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી, જેના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરમાં રાતે ૮ કલાક બાદ વરસાદ બંધ થઈ ગયો હતો, પરંતુ જિલ્લામાં વરસાદનું જોર વધવાથી અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વાઘોડિયા નજીક સુમનદીપ વિદ્યાપીઠની લક્ષ્મી હોસ્ટેલમાં પાણી ભરાતા ત્યાંથી ૧૪૦ વિદ્યાર્થિની-વિદ્યાર્થીઓ સહિત કુલ ૧૫૦ લોકોનું સફળ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતા માર્ગ ઉપર ડભોઈના રાજલી ગામ પાસે પાણી ભરાતા માર્ગ બંધ કરવો પડ્યો છે.
વાઘોડિયા રોડ પર આવેલા સુમનદીપ વિદ્યાપીઠ કેમ્પસમાં સ્થિત લક્ષ્મી હોસ્ટેલમાં અચાનક ચોમાસાના પાણીનો ભરાવો થતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મધ્યરાત્રિના આશરે ૩ વાગ્યે વાઘોડિયા મામલતદાર અને પોલીસની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને વહેલી સવાર સુધીમાં ૧૦૦ છાત્રાઓ, ૪૦ છાત્રો અને ૧૦ સ્થાનિક શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા તમામ લોકોને સુરક્ષિત આશ્રયસ્થાને ખસેડીને તેમના માટે ભોજન, પીવાનું પાણી અને પ્રાથમિક તબીબી તપાસ સહિતની જરૂરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
આ ઉપરાંત વડોદરાથી ડભોઈ જવાના માર્ગ ઉપર રાજલી ગામ પાસે પાણીનો ભરાવો થવાથી ડભોઈ પ્રાંત કચેરી દ્વારા પોલીસ અને માર્ગ મકાન વિભાગની સૂચનાથી આ માર્ગ વાહનોની આવનજાવન માટે બંધ કરવામાં આવ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના માર્ગ ઉપર ભરાયેલા પાણી આગામી ૩ થી ૪ કલાકમાં ઉતરી જાય તેવી શક્યતા છે. બીજી તરફ, જિલ્લા કલેક્ટર ડો. અનિલ ધામેલીયાએ મોડી રાતે દેવ ડેમની મુલાકાત લઈને ગેટ ઓપરેશનની વિગતો મેળવી હતી અને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો.
સવારે બે કલાક દરમિયાન ડભોઈ અને શિનોર તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો, જ્યારે પાદરા, કરજણ અને વડોદરા તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો હતો. તંત્ર દ્વારા નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને સરકારી સૂચનાઓનું પાલન કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.
વહીવટી તંત્રની સમયસરની કામગીરી અને સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે અને હાલ સમગ્ર સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.