અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ: વટવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ
-
12 સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ અવિરત વરસાદ ચાલુ
-
ભાઈપુરા-હાટકેશ્વર અને ખોખરા વોર્ડમાં જળબંબાકારની સ્થિતિ
-
વાસણા બેરેજના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદમાં 12મી સપ્ટેમ્બરથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ છેલ્લા 24 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 27.46 ઈંચ નોંધાયો છે. આજે વહેલી સવારે 6 થી 10 વાગ્યા દરમિયાન વટવામાં પોણા ત્રણ ઈંચ (2.76 ઈંચ) અને બાકરોલમાં માત્ર એક કલાકમાં 2 ઈંચ જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે પૂર્વ અમદાવાદના ભાઈપુરા-હાટકેશ્વર અને ખોખરા વોર્ડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેનાથી સ્થાનિકો અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.
પાણી ભરાવાના કારણે વાહનચાલકોની સુરક્ષા અર્થે મીઠાખળી અંડરપાસ તેમજ એસ.પી. રિંગ રોડ પર આવેલો મોહમ્મદપુરા અંડરબ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, એસ.જી. હાઈવે પર ઈસ્કોનથી કર્ણાવતી ક્લબ સુધી વાહનો ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે, અને તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
વરસાદના આંકડા અને પ્રભાવ
શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 1.74 ઈંચ વરસાદ નોંધાયો છે. વટવા, દૂધેશ્વર, લંભા અને બાકરોલ જેવા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પ્રભાવિત થયું છે.