Loading Please Wait !!!
ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં સોમ-મંગળ મીટિંગ ન કરવા આદેશ

 

  • અઠવાડિયાના પહેલા બે દિવસ અધિકારીઓ કોઈ કાર્યક્રમ નહીં રાખે

  • દૂર-દૂરથી આવતા નાગરિકોને 'ઘરનો ધક્કો' ખાવાની સમસ્યા નિવારવાનો હેતુ

  • ધારાસભ્યો અને અરજદારોને અધિકારીઓ ન મળવાની સતત ફરિયાદો ઊઠતી હતી

સિટી ન્યુઝ @ ગાંધીનગર

ગુજરાત સરકારે સચિવાલય સહિત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં અધિકારીઓને સોમવાર અને મંગળવારે કોઈપણ પ્રકારની મીટિંગો કે કાર્યક્રમો ન રાખવા માટે સખત આદેશ જારી કર્યો છે. અઠવાડિયાના આ બે દિવસો સંપૂર્ણપણે સામાન્ય જનતા અને લોકપ્રતિનિધિઓની રજૂઆતો સાંભળીને તેમના પ્રશ્નોના નિકાલ લાવવા માટે અનામત રાખવામાં આવ્યા છે. લાંબા સમયથી એવી ફરિયાદો ઉઠતી હતી કે દૂર-દૂરના વિસ્તારોમાંથી કામ લઈને આવતા નાગરિકોને કચેરીઓમાં પહોંચ્યા બાદ 'સાહેબ મીટિંગમાં છે' તેવા જવાબો સાંભળવા મળે છે અને અરજદારો કે ખુદ ધારાસભ્યોને પણ ખાલી હાથે પરત ફરવું પડે છે.

અગાઉ પણ આવા અનેક પરિપત્રો બહાર પાડવામાં આવ્યા હોવા છતાં તેનો યોગ્ય અને કડક અમલ થતો ન હોવાના કારણે, આ નવો આદેશ જમીની સ્તરે કેટલો પળાશે અને પ્રજાને રાહત મળશે કે નહીં તે અંગે વહીવટી વર્તુળોમાં મોટી ચર્ચા જાગી છે. સરકારી તંત્રની આ કાર્યશૈલીના કારણે સામાન્ય લોકોનો આવા પરિપત્રો પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે, ત્યારે આ નવા આદેશ બાદ સ્થિતિમાં કેટલો સુધારો થાય છે તે જોવું રહ્યું.

વહીવટી પારદર્શિતા અને જનહિત

સરકારી કચેરીઓમાં નાગરિકોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ આવે અને પ્રજાના સમય તથા શક્તિનો બગાડ અટકે તે માટે વહીવટી તંત્રમાં શિસ્ત અને નિયમોનું પાલન થવું અનિવાર્ય છે.