વનમંત્રી અર્જુન મોઢવાડિયા રાજકોટની મુલાકાતે પહોંચ્યા
-
તારીખ ત્રણ ઓક્ટોબરથી સિંહદર્શન ખુલ્લું મુકાશે
-
ગીરનું ફોરેસ્ટ મેનેજમેન્ટ દુનિયામાં નંબર વન
-
કાયદા મુજબ જ રિસોર્ટ સામે કાર્યવાહી થશે
સિટી ન્યુઝ @ રાજકોટ
રાજકોટના મેયર બંગલા ખાતે એક અત્યંત મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના વનમંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યનાં શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, શહેર ભાજપ અધ્યક્ષ માધવ દવે અને મેયર ડો. નેહલ શુક્લ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ વનમંત્રીએ મીડિયા સાથે વાતચીત કરતા સાસણ-ગીરમાં દર વર્ષે 15 ઓક્ટોબરના બદલે આ વર્ષે 13 દિવસ વહેલા એટલે કે 3 ઓક્ટોબરથી જ સિંહદર્શન શરૂ કરવાના નિર્ણય અંગે સ્પષ્ટતા કરી હતી.
વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ દાવો કર્યો હતો કે આ નિર્ણય કોઈ રાજકીય કે મનસ્વી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ અને વૈજ્ઞાનિક અભિગમ મુજબ લેવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે દુનિયામાં અન્ય સ્થળોએ સિંહોની વસ્તી ઘટી રહી છે, જ્યારે આપણા ગીરમાં સિંહોની વસ્તી ઉત્તમ રીતે વધી રહી છે અને આપણું વાઈલ્ડલાઈફ મેનેજમેન્ટ વિશ્વમાં સર્વોપરી છે, જેને અન્ય દેશો પણ અપનાવી રહ્યા છે.
આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે મંત્રીને ગીર વિસ્તારમાં લાંબા સમયથી ધમધમતા ગેરકાયદેસર રિસોર્ટ્સ અને તે કોના આશીર્વાદથી ચાલી રહ્યા છે તે અંગેનો તીખો સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે માહોલ બદલાઈ ગયો હતો. મંત્રીએ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની સામાન્ય વાતો કરી હતી, પરંતુ અસલી સવાલનો સીધો જવાબ આપવાનું ટાળીને તરત જ ત્યાંથી રવાના થઈ ગયા હતા.
આ બેઠક બાદ વનમંત્રીએ કર્ણાટક રાજ્યથી આવેલા 10 જેટલા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો સાથે પણ સંવાદ કર્યો હતો. ભારત સરકાર અને ગુજરાત સરકારના સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે જુદા જુદા રાજ્યોના પ્રભાવશાળી યુવાનોને વિવિધ સ્થળોની ટૂર કરાવાઈ રહી છે, જેના ભાગરૂપે આ ઇન્ફ્લુએન્સરો સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે અને સકારાત્મક બદલાવ લાવવા માટે ચર્ચાઓ કરી હતી.
રાજકીય અને વહીવટી સ્તરે લેવાતા નિર્ણયો અને વિવાદાસ્પદ મુદ્દાઓ પર અધિકારીઓ કે મંત્રીઓ દ્વારા મૂઢ ધારણ કરી લેવાની આ શૈલી અવારનવાર ચર્ચાનો વિષય બનતી હોય છે. પ્રજાના પ્રશ્નોના પારદર્શક જવાબો મળવા એ લોકશાહીની મૂળભૂત અપેક્ષા છે, ત્યારે જવાબદારીપૂર્વક ખુલાસા કરવા એ પદાધિકારીઓની પ્રાથમિક ફરજ બને છે.
વહીવટી પારદર્શિતા અને જવાબદારી
સરકારી નીતિઓ અને વન્યજીવ સંરક્ષણ જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર જનતા સમક્ષ સ્પષ્ટતા હોવી અનિવાર્ય છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ભયમુક્ત અને સખત પગલાં લેવાય તો જ કાયદાનું શાસન ખરા અર્થમાં પ્રસ્થાપિત થઈ શકે છે.