Loading Please Wait !!!
સુરતના પાંડેસરામાં 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' હેઠળ એક્સપાયર્ડ ચણા-દાળ મોકલાયા!

 

  • આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ ગંભીર બેદરકારી સામે આવતા ભારે ચકચાર મચી છે.

  • વેપારી દ્વારા રજૂઆતો કરવા છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ નથી.

  • ચોમાસાની ઋતુમાં માલ સડી જવાની અને જગ્યાના અભાવે મોટી મુશ્કેલી સર્જાઈ છે.

સિટી ન્યુઝ @ સુરત

સુરત, સુરતના પાંડેસરા વિસ્તારમાં 'મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના' હેઠળ આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓને વિતરણ કરવા માટે મોકલાયેલો કઠોળનો જથ્થો એક્સપાયરી ડેટ પૂરી થઈ ગયેલો અને વાસી હોવાનું બહાર આવ્યું છે. આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ ગંભીર બેદરકારી સામે આવતાં વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સગર્ભા મહિલાઓ તથા તેમના આવનારા નવજાત બાળકોના આરોગ્ય પ્રત્યે સરકારી તંત્ર લાપરવાહી દાખવી રહ્યું હોવાનો ઘાટ સર્જાયો છે.

પાંડેસરા વિસ્તારમાં આવેલી ૨૫થી વધુ આંગણવાડીઓમાં 'ભેરુ ભવાની માર્કેટિંગ યુનિટ'માંથી તુવેર દાળ-ચણા જેવો રાશનનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે. જ્યારે આંગણવાડીની કાર્યકર બહેનોએ માલની ચકાસણી કરી ત્યારે પેકેટો પર છપાયેલી એક્સપાયરી ડેટ ક્યારનીય પૂરી થઈ ચૂકી હતી. દુકાન નંબર U-٤૮ ના માલિક સંજયકુમાર નટવરલાલ શાહે જણાવ્યું કે આ માલ સરકારી ગોડાઉનમાંથી જ એક્સપાયર્ડ ડેટવાળો મોકલવામાં આવે છે અને વેપારીઓએ ફરજિયાત સ્વીકારવો પડે છે. હાલ તેમની દુકાનમાં ૨૩૧૧ કિલો ચણા અને ૧૯૮૦ કિલો દાળનો મોટો જથ્થો સડી રહ્યો છે.

વેપારી દ્વારા ગોડાઉન મેનેજર તેમજ ઝોનલ ઓફિસર કેતુ કાવડને રૂબરૂ અને ટેલિફોનિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, અને અધિકારીઓ માત્ર એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. નવા મહિનાનો જથ્થો આવ્યા બાદ જો સિસ્ટમમાં આ જૂના જથ્થાના અંગૂઠા પડી જશે તો આ વાસી માલ ક્યાં તો સગર્ભાઓના પેટમાં જશે અથવા બારોબાર સગેવગે થઈ જશે.

આ ગંભીર બેદરકારી સામે તુરંત કડક તપાસ કમિટી નીમીને દોષિત અધિકારીઓ અને સપ્લાયરો સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી ઉગ્ર માગ ઊઠી છે.