Loading Please Wait !!!
સુરતમાં હાઈવોલ્ટેજ ડ્રામા: AI વીડિયો કાંડમાં 'આપ'ના ઉમેદવાર પોલીસ પૂછપરછમાં બેભાન!

  • કાર્યકરો શ્રવણ જોશીને ઊંચકીને પોલીસ સ્ટેશન બહાર લાવ્યા - એકતરફ ટિકિટ જાહેર થઈ, બીજી તરફ હોસ્પિટલ ભેગા થયા
  • ગોડાદરા પોલીસ મથકમાં 3 કલાક ચાલી તપાસ - 108 એમ્બ્યુલન્સ બોલાવવી પડી, વકીલે પોલીસ પર લગાવ્યો માનસિક ત્રાસનો આક્ષેપ
  • પૂર્વ કોર્પોરેટરના ફેક ફોટા અને ઓડિયો બનાવી વાયરલ કરવાનો આરોપ - પૂછપરછમાં તબિયત લથડતા અફરાતફરી મચી

સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે વોર્ડ નંબર 26 ના આમ આદમી પાર્ટીના નવા જાહેર થયેલા ઉમેદવાર શ્રવણ જોશીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ કોર્પોરેટરને AI ટેકનોલોજી દ્વારા બદનામ કરવાના કેસમાં પૂછપરછ માટે ગોડાદરા પોલીસ મથકે પહોંચેલા શ્રવણ જોશી નિવેદન નોંધાવતી વખતે અચાનક બેભાન થઈ ગયા હતા. પોલીસ સ્ટેશનની અંદર જ તેમની તબિયત લથડતા અને તેઓ ઢળી પડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. કાર્યકરો તેમને ઊંચકીને પોલીસ સ્ટેશનની બહાર લાવ્યા હોવાના દ્રશ્યોએ રાજકીય ગરમાવો વધાર્યો છે.

આ સમગ્ર વિવાદ પૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂત દ્વારા નોંધાવેલી ફરિયાદથી શરૂ થયો છે. ફરિયાદ મુજબ, શ્રવણ જોશીએ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો ઉપયોગ કરીને અમિત રાજપૂતના વિવાદાસ્પદ ફોટા અને વીડિયો બનાવ્યા હતા. જેમાં તેમને હાથકડી પહેરાવેલા બતાવવામાં આવ્યા હતા અને ગાળાગાળી કરતી ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી હતી. અંદાજે 1.58 મિનિટની આ ડોક્યુમેન્ટ્રી વીડિયોમાં ફેક ન્યૂઝ કટિંગ્સનો પણ ઉપયોગ કરાયો હતો. આ ગંભીર બદનામીના મામલે ગુનો નોંધાયા બાદ શ્રવણ જોશી રવિવારે નિવેદન આપવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

ચોંકાવનારી વાત એ છે કે, જ્યારે શ્રવણ જોશી પોલીસ સ્ટેશનમાં ત્રણ કલાકથી પૂછપરછનો સામનો કરી રહ્યા હતા, ત્યારે જ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં શ્રવણ જોશીને વોર્ડ નંબર 26 માંથી ટિકિટ આપવામાં આવી હતી. સામાન્ય રીતે ટિકિટ મળે ત્યારે કાર્યકરોમાં ઉજવણી થતી હોય છે, પરંતુ શ્રવણ જોશી માટે આ ક્ષણ હોસ્પિટલના બિછાને વીતી હતી. તેઓ પોતાની જીત માટે પ્રચારની તૈયારી કરે તે પહેલા જ કાયદાકીય શિકંજામાં ફસાયા છે.

બીજી તરફ, શ્રવણ જોશીના વકીલ અભિષેકસિંહ રાજપૂતે પોલીસ પર માનસિક ત્રાસનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે શ્રવણ જોશીની તબિયત પહેલેથી જ નરમ હતી અને તેમણે જમવા માટે રજા માંગી હતી, છતાં પોલીસે સતત ત્રણ કલાક સુધી પૂછપરછ ચાલુ રાખી હતી, જેના કારણે તેઓ શારીરિક નબળાઈને લીધે બેભાન થઈ ગયા હતા. પોલીસ રેકોર્ડ મુજબ, શ્રવણ જોશી સામે આ ત્રીજો કેસ છે અને અગાઉ ખંડણીના કેસોમાં તેમની સામે પાસા (PASA) ના ઓર્ડર પણ થઈ ચૂક્યા છે. હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ તપાસ ચાલુ છે.