Loading Please Wait !!!
ધ્રાંગધ્રામાંથી ૧.૮૯ કિલો ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો

  • SOG ની ટીમે કલ્પના ચોકડી પાસેથી ૯૪,૫૦૦ રૂપિયાની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો
  • ૧.૦૪ લાખના મુદ્દામાલ સાથે આરોપી હુશૈન પટેલ ઝડપાયો
  • માર્કેટિંગ યાર્ડ પાસેથી આરોપીની ધરપકડ, પોલીસની કાર્યવાહીમાં મોટો મુદ્દામાલ જપ્ત

સિટી ન્યુઝ @ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદે હેરફેર રોકવા માટે SOG દ્વારા ચલાવવામાં આવતી ખાસ ઝુંબેશ અંતર્ગત ધ્રાંગધ્રાના કલ્પના ચોકડી વિસ્તારમાંથી ૧ કિલો ૮૯૦ ગ્રામ સૂકા ગાંજા સાથે એક ઈસમને ઝડપી લેવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા આ ગાંજાની કિંમત આશરે રૂ. ૯૪,૫૦૦ આંકવામાં આવી છે. SOG ની ટીમે દરોડો પાડી આરોપી પાસેથી ગાંજા ઉપરાંત બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે, જેની કિંમત રૂ. ૧૦,૦૦૦ થાય છે, આમ કુલ રૂ. ૧,૦૪,૦૦૦ નો મુદ્દામાલ પોલીસના કબજામાં આવ્યો છે.

રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર એસ.પી. પ્રેમસુખ ડેલૂના માર્ગદર્શન હેઠળ SOG PI બી.એચ. શીંગરખીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આરોપી હુશૈન ઉર્ફે લાલો જીવાભાઈ પટેલ (ઉ.વ. ૩૦), જે ધ્રાંગધ્રાના કબ્રસ્તાન પાસે રહે છે, તે માર્કેટિંગ યાર્ડ સામે આવેલી બંધ કેબિન પાસે આ ગાંજાનો જથ્થો વેચાણ માટે લાવ્યો હતો. બાતમી મળતાની સાથે જ SOG ની ટીમે તેને રંગેહાથ દબોચી લીધો હતો.

આરોપી હુશૈન પટેલની ધરપકડ કરીને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ અને તેમની ટીમમાં સમાવિષ્ટ અન્ય પોલીસકર્મીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. સુરેન્દ્રનગર પોલીસની આ કાર્યવાહીથી નશાના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આગામી દિવસોમાં પણ આવી સઘન કાર્યવાહી ચાલુ રહેશે તેવા સંકેતો મળ્યા છે.

 સુરેન્દ્રનગર SOG ની સતર્કતા

સુરેન્દ્રનગર SOG સતત જિલ્લામાં NDPS (નશીલા પદાર્થો સંબંધિત) ગુનાઓ શોધી કાઢવા માટે કાર્યરત છે. કલ્પના ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારમાં માર્કેટિંગ યાર્ડ પાસે નશીલા પદાર્થોનું વેચાણ કરનાર તત્વોને ઝડપી પાડવા પોલીસનું નેટવર્ક મજબૂત બનાવવામાં આવ્યું છે. પોલીસની આ સતર્કતાને લીધે નશાના દુષણને ડામવામાં સફળતા મળી રહી છે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવે છે કે નશાના વેપાર અંગે કોઈ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી.