સુરત પાલિકાની ચૂંટણી પૂર્વે ઉધનામાં હંગામો: કોંગ્રેસના ઝંડા-બેનરો હટાવતા ‘પક્ષપાતી’ કાર્યવાહીના આક્ષેપ
-
દક્ષિણ સુરતના ઉધના વિસ્તારમાં કાશીનગર મેઈન રોડ પર કોંગ્રેસના પ્રચાર ઝંડા અને બેનરો પાલિકાએ હટાવી દીધા.
-
કોંગ્રેસનો આક્ષેપ છે કે ભાજપના પ્રચાર સાહિત્યને સ્પર્શ પણ કરવામાં આવ્યો નથી, જે પક્ષપાતી વલણ દર્શાવે છે.
-
વોર્ડ નંબર 24 માં આગામી કાર્યાલયના ઉદ્ઘાટન માટે પ્રચાર સામગ્રી લગાવવામાં આવી હતી.
સુરત: સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ત્યારે શહેરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આજે દક્ષિણ સુરતના ઉધના વિસ્તારમાં આચારસંહિતાના અમલના નામે સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીએ મોટા વિવાદને જન્મ આપ્યો છે. કોંગ્રેસે પાલિકા તંત્ર પર સત્તાધારી પક્ષના ઈશારે 'પક્ષપાતી કામગીરી' કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
ઘટનાની વિગતો મુજબ, ઉધનાના કાશીનગર મેઈન રોડ પર કોંગ્રેસ દ્વારા આગામી ચૂંટણી પ્રચાર માટે ઝંડા અને બેનરો લગાવવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે પાલિકાના દબાણ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુદ્ધના ધોરણે કોંગ્રેસના તમામ ઝંડાઓ ઉતારવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને તંત્રની ટીમ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી હોબાળો મચાવ્યો હતો.
કોંગ્રેસના કાર્યકરોએ સવાલ ઉઠાવ્યો હતો કે, "જો આચારસંહિતાના નિયમો સૌ માટે સમાન હોય તો માત્ર કોંગ્રેસના જ ઝંડા કેમ હટાવવામાં આવ્યા? ભાજપના પોસ્ટરો અને ઝંડાઓ હજુ પણ એ જ વિસ્તારમાં યથાવત છે." કાર્યકરોએ દાવો કર્યો કે તેઓએ પ્રચાર સામગ્રી માટેની મંજૂરી લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી, છતાં તંત્રએ કોઈ પણ પૂર્વ સૂચના વગર 'ઉપરથી આદેશ' હોવાનું કહી આ કાર્યવાહી કરી છે.
આ સમગ્ર પ્રકરણ બાદ સુરતના રાજકીય આલમમાં ચર્ચા જાગી છે કે શું સરકારી મશીનરીનો ઉપયોગ વિપક્ષનો અવાજ દબાવવા માટે થઈ રહ્યો છે? જો ચૂંટણી પૂર્વે જ તંત્રનું વલણ આ પ્રકારે એકતરફી રહેશે, તો આગામી મતદાન પ્રક્રિયાની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થવું સ્વાભાવિક છે. હાલમાં આ મુદ્દો સોશિયલ મીડિયા પર પણ ભારે ચર્ચાનો વિષય બન્યો છે.