સુરતમાં લાઈન લીકેજ કોન્ટ્રાક્ટરમાંથી કોર્પોરેટર બનવા છલાંગ, ભાજપે ટિકિટ આપતા ચર્ચા
-
રવીન્દ્ર ખૈરનારે ઉમેદવારી મળતા જ લાયસન્સ સરન્ડર કર્યું, પાલિકાએ તમામ કામોથી કર્યા દૂર
-
વોર્ડ નં. 24 માં ભાજપનો મોટો દાવ: કોન્ટ્રાક્ટરે રાતોરાત લાયસન્સ રદ કરવાની અરજી આપી
- હાઈડ્રોલિક વિભાગના લાયસન્સ ધારકને ટિકિટ મળતા પાલિકા તંત્રએ તમામ ઝોનમાં કરી જાણ
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ભાજપે જાહેર કરેલી ઉમેદવારોની યાદીમાં એક રસપ્રદ નામ સામે આવ્યું છે. પાલિકાના હાઈડ્રોલિક વિભાગમાં લાંબા સમયથી પાણીના લીકેજ રિપેરીંગનું કામ કરતા કોન્ટ્રાક્ટર રવીન્દ્ર ખૈરનારે હવે સીધી કોર્પોરેટર બનવા માટે છલાંગ લગાવી છે. ભાજપે તેમને વોર્ડ નંબર 24 (ઉધના-દક્ષિણ) માંથી ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. ઉમેદવાર તરીકે નામ જાહેર થતાની સાથે જ ખૈરનારે કોન્ટ્રાક્ટર તરીકેનું પોતાનું લાયસન્સ સરન્ડર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.
રવીન્દ્ર ખૈરનાર પાલિકાના હાઈડ્રોલિક વિભાગમાં રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટર તરીકે કાર્યરત હતા અને વિવિધ ઝોનમાં પાણીની લાઈનોના લીકેજ રીપેરીંગની કામગીરી સંભાળતા હતા. રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે લીકેજ રીપેરીંગની કામગીરીની સાથે સાથે તેમણે ભાજપના મોવડી મંડળ સાથે પણ 'લાઈન' સીધી કરી દીધી હતી, જેના પરિણામે તેમને સક્રિય રાજકારણમાં સીધો પ્રવેશ મળ્યો છે. ભાજપ સાથેના મજબૂત ઘરેબાને કારણે તેમને ઉધના વિસ્તારની મહત્વની બેઠક સોંપવામાં આવી છે.
ટિકિટ મળવાની સત્તાવાર જાહેરાત થતા જ રવીન્દ્ર ખૈરનારે કાયદાકીય અડચણો ટાળવા માટે તાત્કાલિક હાઈડ્રોલિક વિભાગને લાયસન્સ સરન્ડર કરવાની અરજી આપી હતી. પાલિકા તંત્રએ પણ આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા ખૈરનારનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે. આ ઉપરાંત, શહેરના તમામ ઝોનને લેખિતમાં જાણ કરવામાં આવી છે કે આ કોન્ટ્રાક્ટર દ્વારા હાલમાં જે કોઈ કામો ચાલી રહ્યા હોય તેને તાત્કાલિક ધોરણે ટર્મિનેટ એટલે કે બંધ કરવામાં આવે.
પાલિકાના હાઈડ્રોલિક વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, રવીન્દ્ર ખૈરનાર પાણી લીકેજ રીપેરીંગ માટેના નિર્ધારિત યુનિટ રેટની પેનલમાં પણ સામેલ હતા. જોકે, હવે તેઓ રાજકીય મેદાનમાં ઉતર્યા હોવાથી વિભાગ દ્વારા લાયસન્સ સરન્ડર કરવાના રિપોર્ટ સાથે તેમને યુનિટ રેટની પેનલમાંથી પણ કાયમી ધોરણે દૂર કરવાની ભલામણ કમિશનર કક્ષાએ કરવામાં આવી છે. આ ફેરફારને કારણે હવે તેઓ પાલિકાના કોઈ પણ નાણાકીય વ્યવહાર કે કામકાજમાં ભાગ લઈ શકશે નહીં.
સુરત ભાજપમાં એક કોન્ટ્રાક્ટરને ઉમેદવાર બનાવવાની આ ઘટના ચર્ચાનો વિષય બની છે. એક તરફ વિપક્ષ આને ભ્રષ્ટાચાર અને સેટીંગના ભાગરૂપે જોઈ રહ્યો છે, તો બીજી તરફ ભાજપના સમર્થકો આને એક પાયાના કાર્યકરની પ્રગતિ તરીકે ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકાની લાઈનોનું લીકેજ બંધ કરનાર રવીન્દ્ર ખૈરનાર આગામી ચૂંટણીમાં ઉધનાની જનતાનો વિશ્વાસ જીતીને કોર્પોરેટર તરીકેની લાઈન કેટલી ક્લિયર કરી શકે છે.