કોલકાતામાં નરેન્દ્ર મોદીના યોગ કાર્યક્રમથી ટ્રાફિક જામ, હાઈકોર્ટની લાલ આંખ
- રેડ રોડ બંધ થતા લોકોની મુશ્કેલી દૂર કરવા સરકારને આદેશ
- લોકોને હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરો
- યોગ દિવસ પૂરો થતા જ રેડ રોડ ખોલી નાખવા તાકીદ
સિટી ન્યુઝ @ કોલકાતા
કોલકાતાના રેડ રોડ પર 21 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોગ દિવસનો ભવ્ય કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમની તૈયારીઓને લઈને 14 જૂનથી જ આખો રેડ રોડ બંધ કરી દેવાયો છે. રસ્તો બંધ થવાના કારણે વકીલો અને સામાન્ય નાગરિકોને પડતી ભારે મુશ્કેલી અંગે ઓલ ઈન્ડિયા લોયર્સ યુનિયન દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલાની સુનાવણી કરતા જસ્ટિસ સૌગત ભટ્ટાચાર્યએ રાજ્ય સરકારને કડક આદેશ આપ્યો છે કે જ્યાં સુધી રેડ રોડ બંધ રહે ત્યાં સુધી લોકો માટે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે.
હાઇકોર્ટે સરકારને સ્પષ્ટપણે જણાવ્યું છે કે યોગ દિવસનો કાર્યક્રમ પૂર્ણ થતાં જ રસ્તો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવે અને 3 અઠવાડિયામાં આ અંગે કોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવે. અરજદારોના વકીલની દલીલ હતી કે આખો રસ્તો બંધ કરવાને બદલે તેનો એક ભાગ ખુલ્લો રાખી શકાયો હોત જેથી વાહનચાલકોને લાંબો ચકરાવો ન લેવો પડે. જોકે, રાજ્ય સરકારે કોર્ટમાં બચાવ કરતા ખાતરી આપી છે કે આ કાર્યક્રમ આયુષ મંત્રાલયના સહયોગથી થઈ રહ્યો છે અને લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પૂરતા વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ કરાયા છે.
આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના કર્મચારીઓની હાજરી અંગે પણ નવો વિવાદ સર્જાયો હતો, પરંતુ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કર્મચારીઓ માટે હાજરી ફરજિયાત હોવાનું કોઈ આદેશ નથી. બીજી તરફ, રેડ રોડ પર 35 હજાર લોકો યોગ કરવાના છે, જ્યારે હૂગલી નદીમાં પણ 500 બોટ પર અનોખું યોગ પ્રદર્શન કરી વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. સુંદરબન બોટ્સ એસોસિએશનને આ ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પરિવહન વિભાગ તરફથી ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે.
હૂગલી નદીમાં સર્જાશે નવો વિશ્વ રેકોર્ડ
પશ્ચિમ બંગાળમાં આ વર્ષે 21 જૂનની ઉજવણી માત્ર જમીન પૂરતી સીમિત નહીં રહે. હૂગલી નદીના જળસ્તર પર 500 જેટલી બોટને શણગારીને એક અનોખો યોગ કાર્યક્રમ યોજવા તંત્ર સજ્જ બન્યું છે. નદીના પાણીમાં બોટ મારફતે વિવિધ યોગ મુદ્રાઓ બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સર્જવાની આ અનોખી પહેલ લોકો માટે મોટું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે અને આયોજનને વધુ યાદગાર બનાવશે.