Loading Please Wait !!!
ઈરાન યુદ્ધના વાદળો વિખેરાયા: ઈંધણ પરના તમામ પ્રતિબંધો હટશે

  • હોર્મુઝ જળમાર્ગ ખુલતા જ કેન્દ્ર સરકાર ડીઝલ અને LPG સપ્લાયના નિયમો હળવા કરશે
  • યુદ્ધ સમાપ્ત થતા ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂર્વવત, 200 લિટર ડીઝલની મર્યાદા નાબૂદ થશે
  • શહેરોમાં 25 અને ગામડાંમાં 45 દિવસના LPG બુકિંગના આકરા નિયમો પણ રદ થશે

 સિટી ન્યુઝ @ નવી દિલ્હી

પશ્ચિમ એશિયામાં ઈરાન યુદ્ધના કારણે સર્જાયેલી ઈંધણની કટોકટી હવે ધીમે ધીમે હળવી થઈ રહી છે. અત્યંત મહત્વના ગણાતા હોર્મુઝ જળમાર્ગ પરથી નાકાબંધી દૂર થતા અને ઓઈલ ટેન્કરોનું આવાગમન ફરી શરૂ થતા ભારત સરકાર પણ એક્શન મોડમાં આવી છે. ટોચના સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર આ સપ્તાહ દરમિયાન પુરવઠાની સ્થિતિ પર બારીક નજર રાખશે અને ત્યારબાદ ઈંધણ સપ્લાય પર લાદવામાં આવેલા તમામ નિયંત્રણો ધીમે ધીમે પાછા ખેંચી લેશે.

યુદ્ધના સમયમાં ક્રૂડ ઓઇલની શોર્ટેજ ઉભી ન થાય તે માટે કેન્દ્ર સરકારે કડક નિયમો લાગુ કર્યા હતા. જેમાં વાહન દીઠ રોજના માત્ર 200 લિટર ડીઝલ આપવાનો આદેશ અને LPG સિલિન્ડર માટે શહેરોમાં 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારોમાં 45 દિવસ અગાઉ બુકિંગ ન કરવાનો નિયમ દાખલ કરાયો હતો. હવે ઈરાન સહિતના દેશોએ પોતાના ઓઈલ ટેન્કરો દોડતા કરી દીધા હોવાથી અને કતાર દ્વારા નુકસાન પામેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું રિપેરિંગ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ થતાં આ આકરા નિયમો હળવા કરવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી સૌથી મોટો ફાયદો ખેડૂતોને થશે. ખાસ કરીને પંજાબ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં જ્યાં કૃષિની સીઝન શરૂ થઈ રહી છે અને વરસાદની અનિશ્ચિતતા છે, ત્યાં ડીઝલની માંગ સૌથી વધુ હોય છે. ડીઝલ પરના પ્રતિબંધો દૂર થવાથી ખેડૂતોની ડીઝલ ન મળવાની ચિંતાનો કાયમી અંત આવશે. વધુમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા હોવાથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર આર્થિક દબાણ ઘટ્યું છે, જેથી બજારમાં વધુ પુરવઠો રિલીઝ કરવો હવે સરળ બની ગયો છે.

ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા અર્થતંત્રને બુસ્ટર

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ નીચી સપાટીએ જતાં ભારતીય અર્થતંત્રને મોટો ટેકો મળ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ હવે રાહતના શ્વાસ લઈ રહી છે, કારણ કે ઊંચા ભાવે ખરીદી કરવાનું દબાણ ઓછું થયું છે. આ સકારાત્મક પરિસ્થિતિ લાંબો સમય જળવાઈ રહેશે તો આગામી દિવસોમાં સામાન્ય ગ્રાહકો માટે પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં પણ સીધો ઘટાડો જોવા મળી શકે છે.