Loading Please Wait !!!
ભવનાથમાં ભક્તિને બદલે ‘બબાલ’: રોજીરોટી માટે રાઈડ્સ ધારકો રસ્તા પર ઉતર્યા, પોલીસ પર દબંગાઈના આક્ષેપ

 

  • TRP અગ્નિકાંડ બાદ રાઈડ્સ પરના પ્રતિબંધની ભીંસ; મહિલાઓએ રસ્તો રોકી પૂછ્યું- "શું ન્યાય માંગવો ગુનો છે?"

  •  ભવનાથનો મુખ્ય રસ્તો ચક્કાજામ; આર્થિક સંકડામણ અનુભવતા નાના ધંધાર્થીઓએ તંત્ર સામે મોરચો માંડ્યો

  •  15 વર્ષથી ધંધો કરતા વેપારીઓની વ્યથા- "બેટરીથી ચાલતી રાઈડ્સમાં શેનો ખતરો?"; પોલીસ સ્ટેશને પહોંચ્યો મામલો

    ગિરનારની શાંત તળેટીમાં આવેલું ભવનાથ ક્ષેત્ર રવિવારની સાંજે ભક્તિના બદલે ગંભીર અરાજકતા અને સૂત્રોચ્ચારથી ગાજી ઉઠ્યું હતું. રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં રાઈડ્સ પર લાદવામાં આવેલા કડક પ્રતિબંધોની સીધી અસર હવે જૂનાગઢના નાના ધંધાર્થીઓના ચૂલા પર પડી છે. છેલ્લા ઘણા સમયથી રોજગારી છીનવાઈ જતાં આર્થિક સંકડામણ અનુભવતા શ્રમિકો અને મહિલાઓએ ભવનાથનો મુખ્ય રસ્તો રોકી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

    પોલીસ પર ધમકાવવાના આક્ષેપ વિરોધ પ્રદર્શન દરમિયાન નાના ધંધાર્થીઓએ ભવનાથ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. વિરોધકર્તાઓના દાવા મુજબ, જ્યારે તેઓ પોતાની વ્યથા ઠાલવવા ગયા ત્યારે પોલીસે માનવીય અભિગમ અપનાવવાને બદલે 'દબંગાઈ' બતાવી હતી. ધંધાર્થીઓએ આક્ષેપ કર્યો કે પોલીસે તેમને ધમકાવતા પૂછ્યું હતું કે, "તમે ક્યારેય પોલીસનો માર ખાધો છે? જો અહીંથી ઊભા નહીં થાવ તો માર ખાવો પડશે." આ વાતથી રોષે ભરાયેલા શ્રમિકોએ પ્રશ્ન કર્યો હતો કે શું પોતાના બાળકો માટે રોજીરોટી માંગવી એ કોઈ ગુનો છે?

    નાની રાઈડ્સ ચલાવવા માંગ ધંધાર્થી નીતાબેન અને 15 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા નિલેશભાઈએ જણાવ્યું હતું કે, તેમની પાસે વીજળીથી ચાલતા કોઈ મોટા જોખમી સાધનો નથી. તેઓ માત્ર બેટરીથી ચાલતી નાની ચકરડીઓ અને રાઈડ્સ ચલાવે છે, જેનાથી કોઈ જાનહાનિનો ખતરો નથી. તેમ છતાં પોલીસ અને નગરપાલિકા દ્વારા બળજબરીથી તેમનો ધંધો બંધ કરાવી દેવામાં આવ્યો છે અને હવે જેલમાં નાખવાની બીક બતાવવામાં આવી રહી છે.

    પ્રવાસીઓ અટવાયા, પોલીસ કાફલો તૈનાત રવિવારની રજા હોવાથી ભવનાથમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા હતા. રસ્તો રોકવાના કારણે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ પાસે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થિતિ વણસતી જોઈ ભવનાથ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. લાંબી બોલાચાલી અને સમજાવટ બાદ પોલીસ વિરોધકર્તાઓને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. શ્રમિકોની એક જ માંગ છે કે સુરક્ષાના નિયમોનું પાલન કરીને પણ તેમને ધંધો કરવાની મંજૂરી આપવામાં આવે.