Loading Please Wait !!!
કોંગ્રેસના પ્રચારના શ્રીગણેશ: 'ભાજપ ધર્મના નામે ડરાવે છે, કામના નામે મીંડું' - પૂર્વ પ્રમુખ મેહુર લવતુકા

બોરતળાવ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન – હાર્દિક, અલ્પેશ અને રાજુ કરપડા પર આકરા પ્રહાર

ભાવનગર મનપામાં કોંગ્રેસનો પેનલ ટુ પેનલ જીતવાનો વિશ્વાસ – કાર્યકરોને ઘરે-ઘરે જવા આહવાન

શાસક પક્ષના ભય અને ભ્રષ્ટાચાર સામે પરિવર્તનની હાકલ – ભાવનગરમાં જામશે રાજકીય જંગ

ભાવનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ પક્ષે આજે બોરતળાવ વોર્ડના મધ્યસ્થ પ્રચાર કાર્યાલયનું ધામધૂમથી ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે યોજાયેલી સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ શાસક પક્ષ ભાજપ, આમ આદમી પાર્ટી અને પક્ષપલટો કરીને ગયેલા નેતાઓ પર આકરા વાણી-પ્રહાર કર્યા હતા. પૂર્વ જિલ્લા પ્રમુખ મેહુર લવતુકાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે, "જ્યારે જનતા કામ માંગે છે ત્યારે ભાજપ ધર્મ, પાકિસ્તાન અને અન્ય ભાવનાત્મક મુદ્દાઓ લાવીને લોકોને ગેરમાર્ગે દોરે છે."

સભામાં પક્ષપલટાની રાજનીતિ પર નિશાન સાધતા લવતુકાએ હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને રાજુ કરપડા જેવા નેતાઓના નામ લઈને જણાવ્યું હતું કે, જે લોકો 'માના ધાવણ' જેવી મોટી વાતો કરતા હતા, તેઓ જ આજે સત્તા માટે બીજા પક્ષમાં બેસી ગયા છે. આવા નેતાઓને સાંભળવા એ જનતાની કમનસીબી છે. તેમણે ઉમેર્યું કે આમ આદમી પાર્ટી માત્ર કોંગ્રેસના મતો તોડવા માટે જ મેદાનમાં ઉતરી છે, તેથી જનતાએ સાવધ રહીને કોંગ્રેસને જ સાચો વિકલ્પ માનવો જોઈએ.

છેલ્લા 15 વર્ષથી હાઈએસ્ટ લીડથી જીતતા જયદીપસિંહ ગોહિલે ભાવુક અપીલ કરતા કહ્યું કે, "બોરતળાવના લોકોએ મને હંમેશા પરિવારની જેમ પ્રેમ આપ્યો છે. તમે મને માત્ર એક દિવસ તમારો મત આપશો, તો હું તમારા માટે આગામી 1825 દિવસ (5 વર્ષ) સુધી ઋણી રહીને કામ કરીશ." તેમણે ભ્રષ્ટાચારના મુદ્દે પણ સરકારને ઘેરતા કહ્યું કે અત્યારે નાનામાં નાનો માણસ પણ સરકારી કામો માટે લાંચ આપવા મજબૂર છે અને અધિકારીઓ પર નેતાઓનો કોઈ અંકુશ રહ્યો નથી.

ભાવનગર શહેર અને જિલ્લામાં આ વખતે કોંગ્રેસની પેનલ ટુ પેનલ જીતનો આત્મવિશ્વાસ નેતાઓએ વ્યક્ત કર્યો છે. કાર્યકરોને ઘરે-ઘરે જઈને ભાજપના શાસનની નિષ્ફળતાઓ સમજાવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. રાજકોટમાં પણ જ્યારે ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, ત્યારે ભાવનગર કોંગ્રેસના આ તેજાબી પ્રહારોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમાવો લાવી દીધો છે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસનો આ આત્મવિશ્વાસ મતમાં પરિવર્તિત થાય છે કે કેમ.