Loading Please Wait !!!
મોટા સુરકામાં બેસો વીઘા ગૌચર જમીન પર દબાણ!

  • અરજદાર દ્વારા દસ દિવસમાં આત્મવિલોપનની ઉચ્ચારાઈ ચીમકી!
  • ગામના સરપંચનું મકાન પણ ગૌચરની જમીનમાં આવેલું!
  • જિલ્લા પંચાયત કચેરીમાં આવેદનપત્ર આપી ન્યાય માંગ્યો!

સિટી ન્યુઝ @ ભાવનગર

ભાવનગર જિલ્લાના મોટા સુરકા ગામની અંદાજે ૨૦૦ વીઘાથી વધુ ગૌચરની જમીન પર થયેલા દબાણનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં ગામના રહીશ ગોપાલ જોટાણાએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક જમીન ખુલ્લી કરાવવાની માંગ કરી છે.

અરજદારે ગંભીર આક્ષેપ કર્યો છે કે ગામના સરપંચ દ્વારા જ ગૌચરની જમીન પર દબાણ કરીને મકાન બનાવવામાં આવ્યું છે અને છેલ્લા ૧૪ મહિનાથી સતત રજૂઆતો કરવા છતાં રાજકીય વગના કારણે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી.

આ વિવાદ અંગે અદાવત રાખીને સરપંચના ભાઈઓ દ્વારા અરજદારના કાકાના ઘરે તલવાર, ધારિયા અને કુહાડા જેવા હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીએ જણાવ્યું છે કે ગૌચર દબાણ મામલે સરપંચ સહિત ૧૦ થી વધુ લોકોને નોટિસો ફટકારવામાં આવી છે અને નર્મદા કેનાલ માટે જમીન નીમ થયા બાદ રેકોર્ડની અસર બાકી હોવાથી માપણી પૂર્ણ થયા બાદ દબાણો હટાવવાની કાર્યવાહી કરાશે.

પરંતુ તંત્રની આ કાર્યવાહીથી અસંતુષ્ટ બનેલા અરજદારે આગામી ૧૦ દિવસમાં જો દબાણ દૂર કરવામાં નહીં આવે તો જિલ્લા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

ગૌચર જમીન અને ગ્રામીણ દબાણોના ગંભીર પ્રશ્નો

ગામડાઓની સામાન્ય સંપત્તિ ગણાતી ગૌચરની જમીન પર થતા ગેરકાયદેસર દબાણો પશુપાલન અને ગ્રામીણ અર્થતંત્ર માટે મોટું સંકટ ઊભું કરતા હોય છે. સમયસરની કાનૂની કાર્યવાહી જ આવા વિવાદોનો અંત લાવી શકે છે.