Loading Please Wait !!!
ભાવનગરમાં ભાજપનો વિજય હુંકાર: ‘ગુજરાતની જનતા હજુ 30 વર્ષ સુધી કોંગ્રેસને સત્તાથી દૂર રાખશે’

 

  • ભાવનગરમાં યોજાયેલા ભાજપના 'વિકાસ સંકલ્પ સંમેલન' માં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી.

  • તેમણે દાવો કર્યો કે ભાવનગર મનપાની તમામ 52 બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજયી થશે.

  • કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, જનતાએ તેમને છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર રાખ્યા છે અને હજુ પણ 30 વર્ષ સુધી રાખશે.

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે ભાવનગર શહેરમાં ભાજપ દ્વારા આયોજિત 'વિકાસ સંકલ્પ સંમેલન' માં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ આ સંમેલનમાં હાજર રહીને ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં જીતનો જોશ ભર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભાવનગર મહાનગરપાલિકાની તમામ 52 બેઠકો પર કમળ ખીલશે અને વિપક્ષના સૂપડા સાફ થઈ જશે.

    સંમેલનને સંબોધતા જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, "ગુજરાતની જનતા ભોળી જરૂર છે, પણ શાણી છે. કોંગ્રેસે જ્યારે કેન્દ્રમાં હતી ત્યારે ગુજરાત સાથે હંમેશા અન્યાય કર્યો છે અને ગુજરાતીઓને બદનામ કરવાનું કામ કર્યું છે. જનતાએ તેમને છેલ્લા 30 વર્ષથી સત્તાથી દૂર રાખ્યા છે અને મને ભરોસો છે કે હજુ આવનારા 30 વર્ષ સુધી કોંગ્રેસનો પંજો સત્તા સુધી નહીં પહોંચી શકે."

    કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને શહેર ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સંમેલનમાં વિશ્વકર્માએ વધુમાં ઉમેર્યું કે, "સેવા અને સમર્પણના ભાવથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. રાજ્યમાં આપણા 700 જેટલા ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે, જે સાબિત કરે છે કે લોકોનો ભાજપ પર અતૂટ વિશ્વાસ છે." તેમણે કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, આકરા ઉકળાટમાં પણ તમે જે મહેનત કરી રહ્યા છો તે 26મી તારીખે જડબાતોડ જવાબમાં પરિણમશે.

    સંમેલનના અંતે, ભાજપના નેતાઓએ કાર્યકર્તાઓને વિકાસકાર્યો અને જનકલ્યાણની યોજનાઓને મતદારો સુધી પહોંચાડી જંગી મતદાન કરાવવા આહ્વાન કર્યું હતું. ભાવનગરમાં યોજાયેલા આ શક્તિ પ્રદર્શનથી ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.