Loading Please Wait !!!
તહેવારો પહેલાં સોનાના દાગીના અંગે મોટો નિર્ણય: હોલમાર્કિંગ ફીમાં 67% નો વધારો

 

  • તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં જ ગ્રાહકો અને સોનીઓ માટે આવ્યા નવા નિયમો

  • સરકારી નોટિફિકેશન મુજબ આ ફી સીધી જ્વેલર્સ દ્વારા ચૂકવવામાં આવે છે

  • સોનાના કંસાઈનમેન્ટની લઘુત્તમ ફી 200 રૂપિયા અગાઉની જેમ યથાવત

સિટી ન્યુઝ @ બિઝનેસ ડેસ્ક

તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલાં જ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) દ્વારા સોનાના હોલમાર્કિંગ ચાર્જમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હોલમાર્કિંગ ફીમાં 67 ટકાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવતા હવે સોનાના પ્રતિ આર્ટિકલ ચાર્જ 45 રૂપિયાથી વધારીને 75 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. સરકારી નોટિફિકેશન મુજબ, આ ચાર્જ સીધા ગ્રાહકો પાસેથી લેવાનો રહેતો નથી અને તે સોનીઓ (જ્વેલર્સ) દ્વારા ચૂકવવામાં આવે છે, જેથી સામાન્ય ગ્રાહકો પર તેની કોઈ સીધી અસર નથી પડતી. જો કે, જ્વેલર્સ આ વધારાનો ખર્ચ મેકિંગ ચાર્જ કે ઓવરઓલ પ્રાઇસિંગમાં જોડીને ગ્રાહકો પાસેથી પરોક્ષ રીતે વસૂલી શકે છે.

આ નવા ફેરફારો વચ્ચે ચાંદીના હોલમાર્કિંગ ચાર્જમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ચાંદીની વસ્તુઓ માટે હોલમાર્કિંગ ફી અગાઉની જેમ પ્રતિ આર્ટિકલ 35 રૂપિયા અને કંસાઈનમેન્ટ ચાર્જ 150 રૂપિયા જ સ્થિર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત, સોનાના કંસાઈનમેન્ટની લઘુત્તમ ફી પણ 200 રૂપિયા જ યથાવત રાખવામાં આવી છે. હોલમાર્કિંગ સેન્ટર્સ દ્વારા BIS ને સોનાના પ્રતિ આર્ટિકલ 7.50 રૂપિયા અને ચાંદીના પ્રતિ આર્ટિકલ 3.50 રૂપિયા ચૂકવવા પડશે.

ગ્રાહક જાગૃતિ અને બજારની સ્થિતિ

તહેવારો દરમિયાન સોના-ચાંદીની ખરીદી કરતા સમયે હોલમાર્કિંગ અને તેની સાથે જોડાયેલા શુલ્ક અંગેની જાણકારી હોવી ગ્રાહકો માટે અત્યંત આવશ્યક છે, જેથી પારદર્શક વેપાર સુનિશ્ચિત થઈ શકે.