ગાંધીનગરના પીએડીઈયુ પાસે ૧૧મા માળેથી બી.ટેકના વિદ્યાર્થીએ ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું!
-
ઘટના ગાંધીનગરના રાયસણ પીડીઈયુ યુનિવર્સિટી નજીક વિનાયક સરલ કોટિયાર્ડમાં બની.
-
મૃતક દેવર્ષ આણંદ ખાતે બી.ટેકનો અભ્યાસ કરતો હતો અને અમદાવાદનો રહેવાસી છે.
-
ફ્લેટના ભાડુઆત પાયલોટ નોકરી પર હોવાથી તે સમયે મકાનમાં કોઈ હાજર નહોતું.
સિટી ન્યુઝ @ ગાંધીનગર
ગાંધીનગર, ગાંધીનગરના રાયસણ પીડીઈયુ યુનિવર્સિટી નજીક આવેલી પ્રીમિયમ રેસિડેન્શિયલ વિનાયક સરલ કોટિયાર્ડમાં ગત મોડી રાત્રે બનેલી એક સનસનાટીભરી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે. અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને આણંદ ખાતે બી.ટેકનો અભ્યાસ કરતા ૧૯ વર્ષીય દેવર્ષ નામના યુવકે ૧૧મા માળેથી રહસ્યમય સંજોગોમાં મોતની છલાંગ લગાવી દીધી છે. દેવર્ષે મિત્ર સાથે મોબાઈલમાં લાંબી વાત કરી અને ત્યારબાદ મોબાઈલ પાળી પર મૂકીને કૂદી ગયો હતો, જેને લઈને ઇન્ફોસિટી પોલીસે હાલના તબક્કે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતક દેવર્ષના પિતા અજયભાઈ દીક્ષિતનો આ સોસાયટીના અગિયારમાં માળે ફ્લેટ આવેલો છે, જે એક એરલાઈન પાયલોટને ભાડે આપેલો છે. ગઈકાલે રવિવારે દેવર્ષ પોતાના મામા સાથે વડોદરા ગયો હતો અને ત્યાંથી પરત ફરી મામાને ઘોડાસર ઉતારીને પોતે ઘેર જવાના બદલે સીધો ગાંધીનગરના આ ફ્લેટ પર આવી પહોંચ્યો હતો. ભાડુઆત પાયલોટ નોકરી પર હોવાથી ફ્લેટમાં કોઈ નહોતું, જ્યાં તેણે મોડી રાત્રે રોનિત નામના મિત્ર સાથે ફોન પર વાતચીત કરી હતી અને બાદમાં ફોન પાળી પર મૂકીને નીચે ઝંપલાવી દીધું હતું.
અચાનક ધડાકાભેર અવાજ આવતાં સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ્સ અને રહીશો દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત દેવર્ષનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસ શરૂ કરી છે. યુવક ઘરે જવાના બદલે અચાનક રાત્રિના સમયે ગાંધીનગર શા માટે આવ્યો અને આત્મહત્યા પાછળનું વાસ્તવિક કારણ શું હતું તે હજુ અસ્પષ્ટ છે.
પરિવાર શોકમાં હોવાથી વિગતવાર પૂછપરછ બાકી છે, પરંતુ પોલીસે મિત્ર રોનિત અને અન્ય પરિચિતોના નિવેદનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આ જ વિસ્તારમાં અગાઉ પણ બિલ્ડરની અન્ય એક સોસાયટીમાં યુવકના અકાળે મોતની ઘટના બની ચૂકી હોવાથી આ મામલે ભારે ચર્ચા જાગી છે.