પંજાબ મેડ સંધુ હત્યા કેસના આરોપી ઝડપાયા
-
ગોલ્ડી ધિલ્લોન ગેંગે ઈન્ફ્લ્યુએન્સરને ગોળી મારી
-
બાઈક પર આવેલા બે શખ્સોએ હત્યા કરી
-
હત્યા બાદ આરોપી પંજાબથી અમદાવાદ નાસી ગયો
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પંજાબમાં ચકચાર મચાવનાર મેડ સંધુ હત્યા કેસના મુખ્ય આરોપી અને ફાયરિંગ કરનાર પરમિંદર કાકાની ધરપકડ કરીને એક મોટી સફળતા મેળવી છે. ગગત 3 ઓક્ટોબરના રોજ પંજાબના જાણીતા સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુની બાઈક પર સવાર થઈને આવેલા બે અજાણ્યા શખ્સોએ અતિ નજીકથી ગોળી મારીને નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી. આ સનસનાટીભરી હત્યાને અંજામ આપ્યા બાદ આરોપીઓ તરત જ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા, અને આ હત્યાની જવાબદારી સોશિયલ મીડિયાના માધ્યમથી ગોલ્ડી ધિલ્લોન ગેંગ દ્વારા સ્વીકારવામાં આવી હતી. હાલ પકડાયેલા આરોપી પરમિંદર કાકા ઉર્ફે પરમિંદર પ્રસાદની સઘન પૂછપરછ ચાલી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગગત 3 ઓક્ટોબર 2026 ના રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં પંજાબના અમૃતસરમાં લોહારકા રોડ પર સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર મેડ સંધુ ઉર્ફે મધુસૂદન સંધુ, જેઓ એક જાણીતા મેકઅપ આર્ટિસ્ટ, ફેશન ડિઝાઈનર અને LGBTQ કોમ્યુનિટીનો જાણીતો ચહેરો હતા, તેઓ વોશ કરવા મૂકેલી પોતાની કાર લેવા માટે ગયા હતા. આ દરમિયાન બાઈક પર સવાર થઈને આવેલા બે અજાણ્યા શખ્સો તેમની નજીક આવ્યા હતા અને અચાનક ધડાધડ 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. મેડ સંધુને ગોળી વાગવાથી તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
આ સનસનાટીભરી ઘટના બાદ ફાયરિંગ કરનાર આરોપી પરમિંદર પંજાબથી નાસી છૂટ્યો હતો અને છુપાઈને અમદાવાદ આવી ગયો હતો. પંજાબ અમૃતસરના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં આ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને પોલીસ ફરાર આરોપીઓની સઘન શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે કુશળતાપૂર્વક કાર્યવાહી કરીને આરોપી પરમિંદર કાકાને ઝડપી પાડ્યો છે. પૂછપરછ પૂર્ણ થયા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને કાયદેસરની પ્રક્રિયા કરીને પંજાબ પોલીસના હવાલે કરવામાં આવશે.
ઘટનાના પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે મેડ સંધુએ પહેલા પોતાની કાર ધોવા માટે પાર્ક કરી હતી અને બાદમાં કાર પાછી લઈ જવા માટે બે યુવતીઓ તેમને મૂકવા આવી હતી. આ જ સમયે બાઈક પર બે યુવકો આવ્યા હતા, જેમાં એક બાઈક પર બેસી રહ્યો હતો જ્યારે બીજાએ મેડ સંધુ પાસે જઈને અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આશરે 4 થી 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી બે ગોળીઓ મેડ સંધુને વાગી હતી. આ દુર્ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને પોલીસ લગભગ એક કલાક પછી ઘટનાસ્થળે પહોંચી હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે.
સોશિયલ મીડિયા પ્રભાવકો અને યુવાનોને નિશાન બનાવીને આચરવામાં આવતા આ પ્રકારના ગુનાઓ સમાજમાં ગંભીર ચિંતાનો વિષય બન્યા છે. કાયદાકીય એજન્સીઓની સતર્કતાથી ગુનેગારો ગમે તે રાજ્યમાં છુપાયેલા હોય પરંતુ કાયદાના લાંબા હાથથી બચી શકતા નથી તે આ ઘટના પરથી ફરી એકવાર સાબિત થઈ ગયું છે.
અપરાધ અને કાયદો
ગુનેગારો ગમે તેટલા શાતિર હોય, પોલીસ તંત્રની સક્રિયતા અને આંતરરાજ્ય સંકલનથી ગુનાખોરીનો આંત મેળવી શકાય છે.