અમદાવાદમાં બળાત્કારના આરોપીના પોલીસ કસ્ટડીમાંથી પલાયન!
- સંબંધી નીકળેલા એએસઆઈએ આરોપીને ભગાડવામાં મદદ કરી!
- ખોટી કહાની બનાવીને પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ આપ્યો!
- નરોડા પોલીસ સ્ટેશનના કેસમાં પોલીસની મિલીભગત ખુલી!
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનના દુષ્કર્મ કેસના આરોપીને તેના સંબંધી થતા એક એએસઆઈ (ASI) દ્વારા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપ્યા બાદ સાબરમતી જેલમાં લઈ જવાના બદલે વસ્ત્રાલ તરફ લઈ જઈને ભગાડી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
નરોડા પોલીસ સ્ટેશનના બળાત્કાર અને અન્ય ગંભીર ગુનાના આરોપી રાધે ઉર્ફે ગોપાલ રાજુભાઈ ઠક્કરને 27 ઓક્ટોબરે કોર્ટમાં લઈ ગયા બાદ તબિયત લથડતા અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી 29 ઓક્ટોબરે બપોરે ડૉક્ટરે તેને ડિસ્ચાર્જ આપ્યો હતો.
નિયમ મુજબ આરોપીને પૂરતા પોલીસ જાપ્તા સાથે સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પરત મૂકવાનો હતો, પરંતુ ફરજ પર હાજર ASI રાજેશ દયારામ તેને પોતાનો સબંધી ગણાવીને અન્ય કોઈ સ્ટાફ વગર એકલા જ રિક્ષામાં બેસાડીને નીકળ્યા હતા.
રસ્તામાં આરોપી નાસી છૂટે તે માટે એએસઆઈએ શરૂઆતમાં દૂધેશ્વર સર્કલ પાસે ટ્રાફિક જામનો લાભ લઈને આરોપી નાસી ગયાનું કંટ્રોલ રૂમમાં ખોટું બહાનું બતાવ્યું હતું, પરંતુ માધવપુરા અને રામોલ પોલીસની તપાસમાં ખુલાસો થયો કે તેઓ આરોપીને વસ્ત્રાલ બાજુ લઈ ગયા હતા જ્યાં તે નાસી ગયો હતો.
કાયદેસરની ફરજમાં બેદરકારી દાખવીને ગંભીર ગુનાના આરોપીને ભગાડવામાં મદદ કરવા બદલ આર્મ પોલીસ ઈન્સ્પેક્ટરે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરાર આરોપી રાધે અને પોલીસ કર્મચારી રાજેશ દયારામ વિરુદ્ધ કડક ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુરક્ષા અને કસ્ટડીમાંથી નાસી છૂટવાની ઘટનાઓ
કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના પર છે તે જ રક્ષકો જ્યારે ભક્ષક બને કે ફરજ પ્રત્યે બેદરકારી દાખવે, ત્યારે ન્યાયતંત્ર અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થતા હોય છે. દુષ્કર્મ જેવા ગંભીર ગુનાના આરોપીને પોલીસકર્મી દ્વારા પોતાના સબંધી હોવાના નાતે કસ્ટડીમાંથી ભગાડી મૂકવો એ ખાકી વર્દી પર મોટો ડાઘ છે. જ્યારે પોલીસ કર્મચારીઓ જ ગુનેગારોને મદદ કરવા લાગે ત્યારે સામાન્ય જનતાનો કાયદા પરનો વિશ્વાસ ડગમગવા લાગે છે. આવા કિસ્સાઓમાં માત્ર ગુનો નોંધવો પૂરતો નથી, પરંતુ કસૂરવાર પોલીસ કર્મચારીઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી થવી અત્યંત આવશ્યક છે જેથી ભવિષ્યમાં કોઈ રક્ષક કાયદાની મજાક ન ઉડાવી શકે.