Loading Please Wait !!!
સાવધાન; વાયરસ ફરીથી દરવાજા પર ! ગાંધીનગરમાં કોરોના રીટર્ન: મહિલા પોઝિટિવ હોસ્પિટલમાં દાખલ

કેરલમાં નિપાહ વાયરસની એન્ટ્રી; 77 ક્વોરન્ટાઇન

સીટી ન્યૂઝ@કેરલ

કેરલના કોઝીકોડ જિલ્લામાં જીવલેણ નિપાહ વાઈરસનો એક નવો કેસ સામે આવતાં સમગ્ર રાજ્યનું આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે. કોઝીકોડના જિલ્લા કલેક્ટર એમ. એસ. માધવીકુટ્ટીએ ગુરુવારે સત્તાવાર પુષ્ટિ કરી છે કે રામનત્તુકરાની ૪૩ વર્ષની એક વ્યક્તિમાં નિપાહ વાઈરસનાં લક્ષણો પોઝિટિવ આવ્યાં છે. હાલ આ દર્દી કોઝીકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલના ICUમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

આ જીવલેણ ચેપને આગળ ફેલાતો અટકાવવા માટે સ્થાનિક પ્રશાસને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી છે. સંક્રમિત દર્દીના સંપર્કમાં આવેલા ૭૭ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. તમામને ક્વોરન્ટાઇન કરી દેવાયા છે. એમાં ૫૮ હેલ્થકેર વર્કર્સ, પરિવારના ૧૪ સભ્યો, પાંચ મિત્રો અને સહકર્મીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત આ ૭૭ સંપર્કોમાંથી બે વ્યક્તિને હાઈએસ્ટ રિસ્ક અને ૧૩ને હાઈ-રિસ્ક કેટેગરીમાં મૂકીને તાત્કાલિક ચુસ્ત ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે, જ્યારે બાકીના ૬૨ લોકોને લો-રિસ્ક કેટેગરીમાં રાખીને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સદનસીબે હજુ સુધી સંપર્કમાં આવેલી કોઈ પણ વ્યક્તિમાં વાઈરસનાં લક્ષણો દેખાયાં નથી.

રાજ્યના આરોગ્યપ્રધાન કે. મુરલીધરને તિરુવનંતપુરમમાં તાકીદની બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘દર્દીએ તાજેતરમાં એક ગોડાઉન ભાડે રાખ્યું હતું અને એની જાતે જ સફાઈ કરી હતી. આ સફાઈ-પ્રક્રિયા દરમ્યાન જ તે વન્ય ચામાચીડિયાનાં મળમૂત્ર અથવા લાળના સંપર્કમાં આવ્યો હોઈ શકે છે અને તેને આ ઇન્ફેક્શન લાગ્યું હોવાની પ્રબળ આશંકા છે.’

આરોગ્ય તંત્ર એલર્ટ મોડમાં

ગાંધીનગરમાં કોરોના રીટર્ન: મહિલા પોઝિટિવ હોસ્પિટલમાં દાખલ

ચારધામની યાત્રાથી પરત ફરેલા મહિલા કોરોના લઈ આવ્યા

સીટી ન્યૂઝ@ગાંધીનગર

ઘણા સમયથી કોરોના મહામારી ભૂતકાળ બની ચૂકી હતી અને લોકો વાયરસના ભય વિના સામાન્ય જીવન જીવી રહ્યા હતા, ત્યારે શહેરમાં કોરોનાની ફરી સત્તાવાર એન્ટ્રી થતાં આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતા ૫૧ વર્ષીય આધેડ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉનાળુ વેકેશનના પ્રવાસન માહોલ વચ્ચે શહેરમાં સંક્રમણનો નવો કેસ સામે આવતા સ્થાનિક નાગરિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને લોકોમાં ફરી એકવાર ચિંતાની લકીરો ખેંચાઈ છે. ચારધામની યાત્રા બાદ શરદી-ઉધરસ અને તાવના લક્ષણો દેખાયા આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સંક્રમિત થયેલા આ મહિલા તાજેતરમાં જ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ચારધામની ધાર્મિક યાત્રા પૂર્ણ કરીને થોડા દિવસો પહેલાં જ ગાંધીનગર પરત ફર્યા હતા. ઘરે આવ્યા બાદ તેમને અચાનક શરદી, ઉધરસ અને સતત તાવ જેવા લક્ષણો દેખાતા તેઓ બીમાર પડ્યા હતા. તેમની તબિયત વધુ લથડતાં પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા, જ્યાં તબીબોએ સાવચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સરકારી પ્રોટોકોલ મુજબ મહિલાને તાત્કાલિક ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ આઇસોલેશન વોર્ડમાં સારવાર અર્થે શિફ્ટ કરવામાં આવ્યા છે.