Loading Please Wait !!!
‘ટ્રાફિકજામ’ પાછળનું સત્ય ; 49% લોકો આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિક સમસ્યા વધારે છે!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રોફેસર સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયા

  • ૪૮% લોકો સિગ્નલ પર નિયમો તોડી રહ્યા છે

  • ૫૬% લોકો જાહેરમાં ગંદકી ફેલાવે છે

  • રાજકોટમાં ૨૫% લોકો જ બુદ્ધિશાળી જે નિયમોનું ચૂસ્ત પાલન કરે છે

  • બાકીના ૭૫% રાજકોટની પથારી ફેરવી રહ્યા છે

સીટી ન્યૂઝ@રાજકોટ

લોકશાહી સમાજની પ્રગતિનો સાચો આધાર તેના નાગરિકોના બે મુખ્ય પાસાં હક્ક અને ફરજ પર ટકેલો છે. સૌરાષ્ટ્ર પ્રદેશ સાંસ્કૃતિક રીતે અત્યંત સમૃદ્ધ, અતિથિપ્રિય અને જીવદયા પ્રેમી તરીકે વૈશ્વિક સ્તરે જાણીતો છે, પરંતુ આધુનિકીકરણ અને શહેરીકરણના વર્તમાન યુગમાં અહીંના નાગરિકોની માનસિકતામાં એક મોટો અને ચિંતાજનક વિરોધાભાસ જોવા મળ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર યોગેશ જોગસણ અને ડો.ધારા દોશીના માર્ગદર્શન હેઠળ ડો.જીજ્ઞા વરુ, ડો.હર્ષા ગોંડલીયા તેમજ ડો.ભારતી મોરેએ કરેલા ૨૪૩૦ લોકોના વૈજ્ઞાનિક સર્વેક્ષણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, સૌરાષ્ટ્રના લોકો પોતાના હકો અને અધિકારો મેળવવા માટે જેટલા સજાગ, સક્રિય અને ક્યારેક આક્રમક બને છે, તેનાથી તદ્દન વિપરીત તેઓ પોતાની નૈતિક અને કાયદાકીય ફરજો પ્રત્યે ઘોર ઉદાસીનતા કે બેદરકારી દાખવે છે.

સર્વેના તારણો મુજબ સોશિયલ મીડિયાના યુગમાં ડિજિટલ આવેગ સામાજિક વાતાવરણને પ્રદૂષિત કરી રહ્યો છે. આશરે ૫૭% લોકો એવા છે જેઓ સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો પર આવતા ધાર્મિક, જ્ઞાતિવાદી કે ઉત્તેજના ફેલાવતા મેસેજોને આગળ ફોરવર્ડ કરતા પહેલાં તેની સત્યતા તપાસવાની સહેજ પણ તસ્દી લેતા નથી અને સીધો જ મેસેજ ફોરવર્ડ કરી દે છે.

બીજી તરફ, વ્યસન અને ગંદકીના મામલે પણ ગંભીર બેદરકારી સામે આવી છે. પાન-માવા કે ગુટખા ખાધા પછી જાહેર રસ્તાઓ, ફૂટપાથ કે સરકારી કચેરીઓની દીવાલો પર ન થૂંકવાના નિયમનું સરેઆમ ઉલ્લંઘન થાય છે. ૫૬% લોકો પાન-માવાની પિચકારી મારીને સાર્વજનિક મિલકતોને ખરાબ કરે છે.

આપણા નાગરિકોમાં કાયદા પ્રત્યે માન કરતાં ભય વધુ કામ કરે છે. ટ્રાફિક સિગ્નલ પર જો પોલીસ હાજર ન હોય, તો ૪૮% લોકો નિયમ સમજીને ઊભા રહેવાને બદલે સિગ્નલ તોડીને સીધા ભાગે છે. માત્ર ૨૫% લોકો જ એવા છે જેઓ નિયમ સમજીને સ્વયં-શિસ્તથી ઊભા રહે છે. આ સિવાય, વાહન પાર્ક કરતી વખતે ૪૯% લોકો અન્યનો રસ્તો, દુકાન કે ઘરનો ગેટ બ્લોક થઈ જશે તેની ચિંતા કર્યા વિના જ્યાં જગ્યા મળે ત્યાં આડેધડ પાર્કિંગ કરી દે છે.

સર્વેના મહત્વના આંકડાકીય તારણો:

  • 62%: નાગરિકો જાહેર સ્થળોએ રાષ્ટ્રગીત વખતે સાવધાન ઊભા રહે છે, જ્યારે ૩૩% પરિસ્થિતિ પર આધાર રાખે છે.

  • 45%: લોકો રાષ્ટ્રધ્વજના નિયમો અંગે તદ્દન અજાણ છે અને માત્ર ૨૧% પાસે જ સંપૂર્ણ માહિતી.

  • 38%: લોકો નવી પેઢીને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામ અને ક્રાંતિકારીઓથી માહિતગાર કરવામાં સાવ ઉદાસીન છે.

  • 48%: લોકોએ તહેવારોમાં લાઉડસ્પીકર કે ફટાકડાથી અન્યને તકલીફ ન પડે તેનું ધ્યાન રાખવામાં ક્યારેય વિચાર્યું જ નથી.

  • 46%: નાગરિકોમાં સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અંગે હજુ કોઈ જાગૃતિ નથી.

  • 49%: લોકો વાહન પાર્ક કરતી વખતે રસ્તો કે ગેટ બ્લોક ન થાય તેની ચિંતા કર્યા વગર ગમે ત્યાં પાર્કિંગ કરે છે.

  • 56%: લોકો પાન-માવા ખાઈને જાહેર રસ્તાઓ કે ઓફિસોની દીવાલો પર ન થૂંકવાના નિયમનું પાલન કરતા નથી.

  • 48%: લોકો પોલીસ ન હોય ત્યારે ટ્રાફિક નિયમો તોડીને ભાગે છે.

  • 25%: નિયમ પાળે છે.

  • 57%: લોકો સોશિયલ મીડિયા પર આવતા ઉત્તેજક મેસેજને સત્યતા તપાસ્યા વગર જ સીધા ફોરવર્ડ કરનારા છે.

  • 44%: લોકો સમાજમાં અંધશ્રદ્ધા અને કુરિવાજો છોડીને પ્રગતિશીલ વિચારો અપનાવવામાં નકારાત્મક વલણ ધરાવે છે.