Loading Please Wait !!!
પત્નીઓની અદલાબદલી સુરતમાં ચોંકાવનારો કિસ્સો

  • સમાજ માટે ચેતવણી; આધુનિકતાના નામે સંસ્કૃતિનું પતન ?
  • પૈસા અને પાર્ટી બાદ પતન વાઈફ સ્વેપિંગ કાંડ ચર્ચામાં ટી.વી. ડિબેટમાં પત્ની સ્વેપ કિસ્સાએ ઉઠાવ્યા નૈતિક પ્રશ્નો

સીટી ન્યૂઝ@સુરત

શહેરમાં કહેવાતા આધુનિક અને શિક્ષિત વર્ગમાંથી સામે આવેલા એક ચોંકાવનારા કિસ્સાએ સમાજમાં ભારે ચર્ચા જગાવી છે. એક ન્યૂઝ ચેનલ પર થયેલી ચર્ચા દરમિયાન પત્નીઓની અદલાબદલી (વાઈફ સ્વેપિંગ) જેવી ઘટનાનો ખુલાસો થતાં સમાજની નૈતિકતા અને સંસ્કૃતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે.

ચર્ચા દરમિયાન એન્કર જીગરે જણાવ્યું હતું કે સુરતના કેટલાક મિત્રો (કપલ) ફરવા માટે શહેરની બહાર એક રિસોર્ટમાં ગયા હતા. જ્યાં મોજ–મસ્તી અને પાર્ટી બાદ રાત્રે એકબીજાની પત્નીઓની અદલાબદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, આ ગ્રુપમાંના એક દંપતીએ આ પ્રવૃત્તિનો કડક વિરોધ કર્યો હતો અને તેને સમાજ માટે કલંક ગણાવ્યો હતો.

ચર્ચામાં સામેલ મહેમાન રાજુભાઈએ જણાવ્યું કે આ પ્રકારની પ્રવૃત્તિ પૈસાદાર અને બેફામ જીવનશૈલી ધરાવતા લોકોમાં વધી રહી છે. તેમના જણાવ્યા મુજબ, આ માત્ર અંગત બાબત નથી, પરંતુ સમાજમાં ફેલાતું એક “મીઠું ઝેર” છે, જે આવનારી પેઢી માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

બીજા મહેમાન જથભાઈએ આ પ્રવૃત્તિને પશ્ચિમી સંસ્કૃતિના અંધ અનુકરણ સાથે જોડતા કહ્યું કે આધુનિકતાના નામે મૂલ્યો ભુલાઈ રહ્યા છે. તેમણે ચિંતાજનક રીતે જણાવ્યું કે આવી પ્રવૃત્તિઓ માત્ર એક શહેર પૂરતી સીમિત નથી, પરંતુ વિવિધ વર્ગોમાં ફેલાઈ રહી છે.

ચર્ચા દરમિયાન એ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો કે સમાજના કહેવાતા આગેવાનો આ બાબતે મૌન છે, જેના કારણે આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળી રહ્યું છે. મહેમાનોનું માનવું હતું કે આવા કિસ્સાઓ જાહેરમાં લાવવા પાછળનો હેતુ કોઈ વ્યક્તિને બદનામ કરવાનો નહીં, પરંતુ સમાજમાં જાગૃતિ લાવવાનો છે.

આ સમગ્ર ઘટનાએ એક મહત્વનો પ્રશ્ન ઊભો કર્યો છેશું આધુનિકતા ના નામે સમાજ પોતાની મૂળભૂત સંસ્કૃતિ અને મૂલ્યો ગુમાવી રહ્યો છે? અને જો હા, તો તેને રોકવા માટે શું પગલાં લેવાશે?

હાલમાં આ મુદ્દો સોશિયલ મીડિયા અને જાહેર જીવનમાં ચર્ચાનો વિષય બન્યો છે, જ્યાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો આ ઘટનાને નૈતિક પતન ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને અંગત સ્વતંત્રતાનો મુદ્દો માને છે.

એક બાબત ચોક્કસ છે કે આ ઘટના માત્ર એક કિસ્સો નથી, પરંતુ સમાજ માટે એક ચેતવણી છેસમય રહેતાં મૂલ્યો અને સંસ્કૃતિ અંગે ગંભીર ચર્ચા કરવાની જરૂર છે.