Loading Please Wait !!!
સુરતની હૃદય કંપવનારી ઘટના પરિણીતાએ પ્રેમી સાથે મળી પતિને પતાવી દીધો

ઊંઘમાં હતો ત્યારે બીજા માળેથી ફેંક્યો, જીવતો બચી ગયો તો બ્લેડથી ગળું કાપી નાંખ્યું

સીટી ન્યૂઝ@સુરત

સુરતના ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વેડરોડ પરની રહેમતનગર સોસાયટીમાં એક હૃદયકંપાવનારી ઘટના સામે આવી છે. દારૂડિયા અને ઝઘડાળુ પતિથી કંટાળેલી પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની ઘાતકી હત્યા કરી નાખી હોવાનો પર્દાફાશ થયો છે. ઊંઘતા પતિને બીજા માળેથી નીચે ફેંકી દીધા બાદ પ્રેમીએ બ્લેડથી ગળું કાપીને તેને મોતને ઘાત ઉતારી દીધો હતો. પોલીસે ગણતરીના દિવસોમાં જ પત્ની અને તેના પ્રેમીને ઝડપી લીધા છે.

પોલીસ ફરિયાદ અનુસાર, મૂળ ઝારખંડનો ૪૨ વર્ષીય જન્મજય તીર્થ રાય પંડોળની રહેમતનગર સોસાયટીમાં તેની પત્ની ચાંદની સાથે રહેતો હતો. અગાઉના લગ્નની વાત છુપાવવા અને કમાણીના પૈસા ઘરમાં ન આપવા મુદ્દે બંને વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા. આ દરમિયાન ચાંદનીને કુલવાડી વિસ્તારમાં રહેતા મૂળ ઉત્તર પ્રદેશના શુભમ બહાદુર બમ નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમી સાથે આઝાદ થઈને લગ્ન કરવા માટે ચાંદનીએ છેલ્લા ક મહિનાથી પતિને રસ્તામાંથી હટાવવાનો કારસો ઘડ્યો હતો.

૭ જૂનના રોજ પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. રાત્રે ૮ વાગ્યે પતિ ઘરે આવીને સૂઈ ગયો હતો. રાત્રે ૧ વાગ્યે પતિ ઘસઘસાટ ઊંઘી જતાં ચાંદનીએ પ્રેમી શુભમને ફોન કરીને બોલાવ્યો હતો. બંનેએ ઊંઘી રહેલા જન્મજયને ઊંચકીને ગેલેરીમાંથી સીધો જ બિલ્ડિંગના બીજા માળેથી નીચે રોડ પર ફેંકી દીધો હતો. ૨૦ મિનિટ પછી નીચે જઈને જોયું તો જન્મજય મર્યો ન હતો અને તરફડિયાં મારી રહ્યો હતો. ‘જો તે જીવી જશે તો ફસાઈ જવાના ડરથી શુભબે દોરા કાપવાની બ્લેડથી તેના ગળાના ભાગે બે ઘા ઝીંકી દીધા હતા, જેનાથી અત્યંત રક્તસ્ત્રાવ થતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

હત્યા બાદ શાતિર ચાંદનીએ પતિ અગમ્ય કારણોસર નીચે પડી ગયો હોવાની વાર્તા ઘડીને પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. શરૂઆતમાં ચોકબજાર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળા પર તીક્ષ્ણ હથિયારના ઘા અને વધુ પડતા રક્તસ્ત્રાવથી મોત થયું હોવાનું સામે આવતા પોલીસ ચોંકી ઊઠી હતી. પીઆઈ એસ. ડી. રાતડા અને પીએસઆઈ જે. આર. તિવારીની ટીમે CCTV ફૂટેજ તપાસતા એક શંકાસ્પદ ઈસમ નજરે પડ્યો હતો. પોલીસે ચાંદનીને વિશ્વાસમાં લઈને આગવી ઢબે પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને હત્યાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનાહિત કાવતરું અને હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.