Loading Please Wait !!!
ધોરણ 9 અને 11ના પાઠ્યપુસ્તકોના વિતરણમાં વિલંબનો કોંગ્રેસનો આક્ષેપ

 

  • » શિક્ષણ પ્રશ્ન : લાખો વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકો વિના ભણવા મજબૂર
  • » શાળા શરૂ થયાના 10 દિવસ બાદ પણ અનેક વિદ્યાર્થીઓને પુસ્તકો મળ્યા નહીં
  • » 208માંથી માત્ર 15 રૂટ પર વિતરણ, 400થી વધુ કેન્દ્રો પર પુસ્તકો ઉપલબ્ધ નહીં હોવાનો દાવો

» પાઠ્યપુસ્તકોના છાપકામ અને વિતરણ પ્રક્રિયામાં અનિયમિતતાની આશંકા

સીટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને મીડિયા કોર્ડિનેટર હેમાંગ રાવલે રાજ્યમાં ધોરણ ૯થી ૧૨ના વિનામૂલ્યે પાઠ્યપુસ્તકોના વિતરણમાં ગંભીર વિલંબ થયો હોવાનો આક્ષેપ કર્યો છે. અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક અને શિક્ષણમાં પરિવર્તનના દાવા કરી રહી છે, પરંતુ બીજી તરફ લાખો વિદ્યાર્થીઓ હજુ પણ પાઠ્યપુસ્તકોની રાહ જોઈ રહ્યા છે.

હેમાંગ રાવલના જણાવ્યા મુજબ રાજ્યમાં શાળાઓ ૬ જૂનથી શરૂ થઈ ગઈ હોવા છતાં ખાસ કરીને ધોરણ ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને હજુ સુધી વિનામૂલ્યે મળવાપાત્ર પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ થયા નથી. જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને શૈક્ષણિક કાર્યમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલી વિગતો અનુસાર તા. ૧૬ જૂન, ૨૦૨૬ સુધી કુલ ૨૦૮ વિતરણ રૂટમાંથી માત્ર ૧૫ રૂટમાં જ પુસ્તકો મોકલવામાં આવ્યા છે, જ્યારે ૧૯૩ રૂટમાં વિતરણ બાકી છે. રાજ્યના ૪૦૦થી વધુ વિતરણ કેન્દ્રો પર પણ પુસ્તકો ઉપલબ્ધ ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

પત્રકાર પરિષદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિનામૂલ્યે વિતરણ કરવાના કેટલાક પાઠ્યપુસ્તકોનું છાપકામ હજુ સુધી પૂર્ણ થયું નથી. જો આ માહિતી સાચી હોય તો સમગ્ર ખરીદી, છાપકામ અને વિતરણ પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે. કોંગ્રેસે આ મામલે સંભવિત અનિયમિતતા અથવા કૌભાંડની આશંકા પણ વ્યક્ત કરી છે.

કોંગ્રેસે રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ પાસે સ્પષ્ટતા માંગતા પ્રશ્નો ઉઠાવ્યા છે કે પુસ્તકોના વિતરણમાં વિલંબ કેમ થયો, માત્ર ૧૫ રૂટ પર જ વિતરણ કેમ થઈ શક્યું અને જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવશે.

કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર તાત્કાલિક હસ્તક્ષેપ કરીને બાકી રહેલા તમામ પાઠ્યપુસ્તકોનું વિતરણ યુદ્ધના ધોરણે પૂર્ણ કરે, સમગ્ર મામલે પારદર્શક તપાસ કરાવે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતોને પ્રાથમિકતા આપે.