ST વોલ્વોએ ટ્રેક્ટરને કચડતા ચરાડવાના ખેડૂતનું કરૂણ મોત
=> રાજલ પેટ્રોલ પંપથી ડીઝલ ભરાવી નીકળતા 39 વર્ષીય યુવાનને કાળ ભેટી ગયો
=> અમદાવાદ-મોરબી રૂટની બેફામ સરકારી વોલ્વોની પ્રચંડ ટક્કરથી ટ્રેક્ટર પલટી મારી ગયું
=> હળવદ પોલીસે અકસ્માત સર્જનાર વોલ્વોના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી
સિટી ન્યૂઝ@હળવદ
મોરબી જિલ્લામાં ખેડૂતો ડીઝલ માટે વલખા મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ હળવદના ચરાડવા ગામ પાસે કાયદો અને ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતો ગોઝારો અકસ્માત સર્જાયો છે. સરકારી એસટીની વોલ્વો બસના ચાલકની બેફામ ગતિએ ચરાડવાના એક નિર્દોષ ખેડૂતનો ભોગ લીધો છે. પેટ્રોલ પંપથી ડીઝલ ભરાવી બહાર નીકળતા જ બેકાબૂ બસે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારતા યુવાન ખેડૂતનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતો 39 વર્ષીય શૈલેષ માવજી સોનાગ્રા શુક્રવારે પોતાનું ટ્રેક્ટર લઈને ગામ પાસે આવેલા રાજલ પેટ્રોલ પંપ ખાતે ખેતીકામ માટે ડીઝલ પુરાવવા ગયો હતો. ટ્રેક્ટરમાં ડીઝલ ભરાવીને શૈલેષ પંપની બહાર નીકળી મુખ્ય રસ્તા પર ચડી રહ્યો હતો, બરાબર એ જ સમયે અમદાવાદ-મોરબી રૂટની એસટી વોલ્વો બસના ચાલકે ગફલતભરી રીતે અને પૂરપાટ ઝડપે ડ્રાઇવિંગ કરી ટ્રેક્ટરને જોરદાર અડફેટે લીધું હતું. આ પ્રચંડ ટક્કરથી ભારેખમ ટ્રેક્ટર રસ્તા પર પલટી ખાઈ ગયું હતું.
ટ્રેક્ટર પલટી મારી જતાં શૈલેષ સોનાગ્રા તેની નીચે દબાઈ ગયો હતો. માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર તેમજ જીવલેણ ઈજાઓ પહોંચતા શૈલેષનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. 39 વર્ષના આશાસ્પદ યુવાનના અકાળે મોતના સમાચારથી સોનાગ્રા પરિવારમાં કાળો કલ્પાંત મચી ગયો છે. સરકારી બસોના બેફામ ડ્રાઇવિંગથી રોષે ભરાયેલા લોકોએ તંત્ર સામે આકરા સવાલો ઉઠાવ્યા છે કે સમયસર પહોંચવાની લ્હાયમાં નિર્દોષ નાગરિકોના જીવ કેમ જોખમમાં મૂકવામાં આવે છે અને હાઈવે પર પંપ કે કટ નજીક સ્પીડ બ્રેકર કેમ મૂકવામાં આવતા નથી.
આ ગંભીર અને લોહીયાળ અકસ્માતની જાણ થતાં જ હળવદ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. હાલ પોલીસે બેફામ સ્પીડે બસ ચલાવી ખેડૂતનો જીવ લેનાર વોલ્વો બસના ચાલક સામે અકસ્માતે મોતનો ગુનો નોંધી કડક કાનૂની કાર્યવાહી કરવા અને મૃતકના પરિવારજનોની સત્તાવાર ફરિયાદ લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.