સોમનાથ કોરિડોરમાં ડિમોલિશન શરૂ : 250 મિલકતોનું સંપાદન
- પઠાણવાડા, ભોંયવાડામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફર્યા
- જિલ્લા પોલીસવડા અને ડેપ્યુટી કલેક્ટરની હાજરીમાં શાંતિપૂર્ણ કાર્યવાહી
સિટી ન્યૂઝ@ગીર સોમનાથ: વિશ્વવિખ્યાત યાત્રાધામ સોમનાથ નગરમાં ચાલી રહેલા કોરિડોર વિકાસ પ્રોજેક્ટને હવે ગતિ આપવાની કામગીરીનો પ્રારંભ થયો છે. સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરીનો પ્રારંભ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચહલપહલ સાથે તંત્રની સક્રિયતા જોવા મળી હતી.
વહેલી સવારે સોમનાથ મંદિર પરિસર નજીક આવેલા પઠાણવાડા, ભોંયવાડા તેમજ જુના સોમનાથ મંદિર સહિતના આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રના જેસીબી (JCB) મશીનો વડે મકાનો પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તમામ વિસ્તારો સંવેદનશીલ હોવાનું ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ડિમોલિશન સમયે સ્થળ પર જિલ્લા પોલીસવડા, નાયબ કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ખડેપગે હાજર રહી કામગીરીનું સતત મોનીટરીંગ કરી રહ્યા હતા. તંત્ર દ્વારા સમગ્ર ડિમોલિશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ આગોતરા પગલાં લેવામાં આવ્યા છે.
આ સમગ્ર પ્રક્રિયામાં 1 મહત્વપૂર્ણ બાબત એ છે કે, સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ માટે લગભગ 250 થી વધુ મિલકતધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાની મિલકતો સરકારને સુપ્રત કરી છે. સરકારને સહકાર આપતા આસામીઓએ વિકાસકાર્ય માટે સહભાગિતા દર્શાવતા તંત્રને કામગીરીમાં ભારે સહેલાઈ મળી છે.
સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત મંદિર પરિસરનો સર્વાંગી વિકાસ કરવાનો સરકારનો હેતુ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રવેશ માર્ગ, સુવ્યવસ્થિત પાર્કિંગ અને સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે. ધાર્મિક અને પ્રવાસનના વૈશ્વિક નકશા પર અગત્યનું સ્થાન ધરાવતા સોમનાથ મંદિરને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા આ કોરિડોર પ્રોજેક્ટ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. હાલ ચાલી રહેલી ડિમોલિશન કામગીરીને લઈ સ્થાનિકોમાં વિવિધ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, છતાં સમગ્ર પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે.