શ્રીનાથધામ હવેલીમાં 400 વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા
સીટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ ખાતે VYO શ્રી નાથધામ હવેલીમાં વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદય દ્વારા ૪૦૦ થી પણ વધુ વૈષ્ણવોને “બ્રહ્મસંબંધ દીક્ષા” આપી.
VYO શ્રીનાથધામ હવેલીમાં તારીખ ૧૪/૦૬/૨૦૨૬ રવિવારના રોજ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો. ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદય દ્વારા અધિક માસ દરમ્યાન ઠાકોરજી સમક્ષ ૪૦૦ થી પણ વધુ વૈષ્ણવોને બ્રહ્મસંબંધ દીક્ષા આપી. વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ દીક્ષા ગ્રહણ કરી પૂજ્યના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. પૂજ્ય એ વચનામૃતના માધ્યમથી વૈષ્ણવોને માર્ગદર્શન પૂરું પાડયું હતું.
- યોગ દિવસ પૂર્વે સોમેશ્વર મંદિરે ધ્યાન શિબિરનું આયોજન
- આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારી રૂપે 17 થી 19 જૂન સુધી આયોજન
આગામી ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં ઉજવણી થવા જઈ રહી છે. આ ઉજવણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે રાજકોટના સૌરાષ્ટ્ર કલાક્રેન્દ્ર માર્ગ નં ૨ પર આવેલા સુપ્રસિદ્ધ સોમેશ્વર મહાદેવ મંદિરે ૩ દિવસીય ધ્યાન યોગ શિબિરનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
આ શિબિર ૧૭ થી ૧૯ જૂન ૨૦૨૬ સુધી સળંગ ૩ દિવસ સવારે ૬:૩૦ થી ૭:૦૦ વાગ્યા દરમિયાન યોજાશે. જેમાં હાર્ટફુલનેસના નિષ્ણાત લલિત ચંદે શિબિરાર્થીઓને ધ્યાન યોગની સાચી પદ્ધતિઓનું માર્ગદર્શન આપી ધ્યાન કરાવશે.
સામાજિક અગ્રણી રાજુ જુંજાએ જણાવ્યું કે, ધ્યાન યોગ મન, શરીર અને આત્માને સંતુલિત રાખવાનું શક્તિશાળી સાધન છે. નિયમિત ધ્યાનથી મન શાંત રહે છે, એકાગ્રતા વધે છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે. આ માત્ર આંખો બંધ કરવાની ક્રિયા નથી, પરંતુ અંતરાત્મા સાથે જોડાવાનો માર્ગ છે.
દરેક વ્યક્તિએ વ્યસ્ત જીવનમાંથી ધ્યાન માટે સમય ફાળવવો જોઈએ. આ ૩ દિવસીય નિશુલ્ક શિબિરમાં બહોળી સંખ્યામાં જોડાવા આયોજકોએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.