Loading Please Wait !!!
દરોડા કે ડ્રામા ? રાજકોટ આરોગ્ય વિભાગની શંકાસ્પદ ભૂમિકા ?

પાવર કટ્ટ; આરોગ્ય વિભાગ પાસે સત્તા જ નથી

  • દરોડો પાડે ત્યારે અધિકારીઓને ખ્યાલ હોય છે ખોરાક વાસી છે તો કેમ નાશ કરવામાં આવે છે મોટા ભાગના દરોડામાં લેબમાં સેમ્પલ કેમ નથી મોકલતા ? કારણ શું ?

  • કોઈ પણ રેસ્ટોરન્ટ કે હોટલમાં વાસી ખોરાક ઝડપાય છે તો દંડની પહોંચ સોલિડ વેસ્ટ અથવા મેલેરિયા વિભાગની પહોંચ કેમ આપવામાં આવે છે ?

ગઈકાલનું ઉદાહરણ

પાપા લૂઈસ પિઝામાં મરેલા વંદા- ધનેડા મળ્યા કર્યું શું : ઠન-ઠન ગોપાલ

રાજકોટ મહાપાલિકાની આરોગ્ય વિભાગની ટીમે ગઈકાલે રામકૃષ્ણ મેઈન રોડ પર આવેલા પાપા લૂઈઝ પિઝા રેસ્ટોરન્ટમાં તપાસ કરી તો રસોડામાંથી ગંદકી જોવા મળી હતી આ ઉપરાંત બ્રેડમાં ફૂગ લાગી હતી અને ધનેડા અને આઈસ્ક્રીમમાં મરેલા વંદા જોવા મળ્યા હતા. માત્ર ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકારી ખાદ્ય પદાર્થોનો નાશ કરી નોટિસ અપાઈ.

પાપા લુઈસ પિઝાની 24 કલાક પછી પણ પ્રેસનોટ રિલીઝ કરી નથી

બાકી દરોડા બાદ એક-બે કલાકમાં પ્રેસનોટ આપતા તંત્રએ આમા કેમ વાર લગાડી ? | અત્યાર સુધી એવું જ કહ્યું કે ૧૦,૦૦૦નો દંડ કર્યો છે સિટી ન્યૂઝે સતત કહ્યું કે લેબમાં રિપોર્ટ મોકલ્યો કે નહીં પછી અધિકારીએ આજે બપોરે ૧ વાગ્યે કહ્યું સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલ્યો છે.

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગની કામગીરી પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. શહેરમાં હોટલ અને રેસ્ટોરન્ટોમાં દરોડા પાડવામાં આવે છે, વાસી અને અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવે છે, પરંતુ આ સમગ્ર કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી તો નથી ને? એવી ચર્ચા જોર પકડતી જાય છે.

માહિતી મુજબ, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ જો ખોરાક અખાદ્ય કે માનવ માટે હાનિકારક હોય, તો તેના નમૂનાઓ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલવા જોઈએ. પરંતુ મોટાભાગના કેસોમાં એવું જોવા મળે છે કે ખોરાકનો સીધો નાશ કરી દેવામાં આવે છે અને સેમ્પલ લેવામાં આવતા નથી. જેના કારણે આગળની કાયદેસર કાર્યવાહી અને દંડની પ્રક્રિયા અટકી જાય છે.

સ્થાનિક સ્તરે ચર્ચા છે કે અધિકારીઓને ખોરાક વાસી હોવાનું જાણ હોવા છતાં માત્ર નાશ કરીને મામલો સમાપ્ત કરવામાં આવે છે. પરિણામે, રેસ્ટોરન્ટ અથવા હોટેલ સામે કડક પગલાં લેવામાં આવતા નથી અને તેઓ ફરી એ જ ભૂલો દોહરાવે છે.

વિશેષમાં, ફૂડ વિભાગ પાસે સીધી દંડ ફટકારવાની મર્યાદિત સત્તા હોવાને કારણે ઘણીવાર અન્ય શાખાઓ, જેમ કે સોલિડ વેસ્ટ અથવા મેલેરિયા વિભાગને જોડીને સામાન્ય ગંદકી કે સ્વચ્છતા મુદ્દે દંડ કરવામાં આવે છે. જ્યારે ખોરાકની ગુણવત્તા જેવા ગંભીર મુદ્દા પર કડક કાર્યવાહી માટે જરૂરી સેમ્પલ પ્રક્રિયા પાછળ રહી જાય છે.

આ પરિસ્થિતિને લઈને સવાલ ઊભો થાય છે કે શું શહેરમાં ખોરાક સુરક્ષા મુદ્દે સંપૂર્ણ પારદર્શિતા છે કે પછી પડદા પાછળ કંઈક બીજું જ ચાલી રહ્યું છે? જો નિયમ મુજબ સેમ્પલ લેવામાં આવે અને લેબોરેટરી રિપોર્ટ આધારે કાર્યવાહી થાય, તો જ દોષિતો સામે કડક પગલાં શક્ય બને.

હાલમાં, "સમજદાર માટે ઈશારો પૂરતો" જેવી સ્થિતિ વચ્ચે શહેરવાસીઓમાં ચિંતા વધી રહી છે કે ખાદ્ય સુરક્ષા માત્ર કાગળો પૂરતી રહી ગઈ છે કે શું?