Loading Please Wait !!!
ખાનગી V/S સરકારી સ્કૂલોની લડાઈ; બાળકોનું ભવિષ્ય રમકડું બન્યું !

=> શિક્ષણ પર સંકટ; સ્કૂલો વચ્ચે મતભેદ CM સુધી પહોંચ્યો મુદ્દો !

=> વેકેશન ના લંબાવો વિદ્યાર્થીઓને નુકસાન થવાની ભીતી વ્યક્ત કરી

=> ગરમી અને પેટ્રોલની તંગીના કારણે વેકેશન લંબાવવું જરૂરી છે

=> બંનેએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો 

=> વાલીઓ મૂંઝવણમાં ! એક કહે વેકેશન વધારવું બીજું કહે ઓનલાઇન નુકસાન

સિટી ન્યૂઝ@ગાંધીનગર/રાજકોટ

ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે ઉનાળુ વેકેશન લંબાવવું કે નવા શૈક્ષણિક સત્રનો સમયસર પ્રારંભ કરવો તે મુદ્દે રાજ્યની ખાનગી અને સરકારી શાળાઓના સંચાલકો સામસામે આવી ગયા છે. એક તરફ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો વેકેશન લંબાવવા અને ઓનલાઇન એજ્યુકેશન તરફ વળવા માંગે છે, તો બીજી તરફ ખાનગી શાળાઓ કોઈપણ ભોગે ૮ જૂનથી જ પ્રત્યક્ષ (ઓફલાઇન) શિક્ષણ શરૂ કરવા કટિબદ્ધ છે. બંને મંડળોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રીઓને પત્રો લખતા વાલીઓમાં ભારે મૂંઝવણ ઊભી થઈ છે.

રાજ્ય શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે સરકારને રજૂઆત કરી છે કે છેલ્લા ૧૫ દિવસથી રાજ્યમાં તાપમાન ૪૦ થી ૪૫ ડિગ્રીએ પહોંચી ગયું છે. બાળકોને આ અસહ્ય ગરમી અને હીટવેવથી બચાવવા માટે ૮ જૂનના બદલે ૧૮ જૂનથી શાળાઓ ખોલવી જોઈએ. વધુમાં, અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે ઇંધણની અછત અને ભાવવધારાને પગલે ટ્રાન્સપોર્ટેશન મોંઘું બન્યું છે. તેથી ઇંધણ બચાવવા માટે ધોરણ ૬ થી ૧૨ ના વર્ગોને ઓનલાઇન શિક્ષણ આપવાની અને અન્ય વર્ગોને એકાંતરા બોલાવવાની મંજૂરી માંગવામાં આવી છે. ભાસ્કર પટેલે સૌરાષ્ટ્રમાં વેકેશન દરમિયાન પણ ગેરકાયદેસર રીતે ચાલતી શાળાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

બીજી તરફ, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ જતિન ભરાડ અને રાજકોટ મંડળના પ્રમુખ અવધેશ કાનગડે જણાવ્યું હતું કે, આગામી ફેબ્રુઆરી ૨૦૨૭ માં બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે. જો શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં વિલંબ થશે તો નિર્ધારિત સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂરો કરવો અને રિવિઝન કરાવવું મોટો પડકાર બની જશે. ગુજરાતની ૮૫૦૦ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ ૧ થી ૧૨ ના ૪૦ લાખ વિદ્યાર્થીઓના સર્વાંગી હિત માટે ૮ જૂનથી જ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થવું જોઈએ.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ડી. વી. મહેતા અને ભરત ગાજીપરાએ સ્પષ્ટ કર્યું કે શાળા માત્ર પુસ્તકિયું જ્ઞાન નથી આપતી, પણ વિદ્યાર્થીઓમાં શિસ્ત અને આત્મવિશ્વાસ વિકસાવે છે. કોરોના કાળમાં અપાયેલા ઓનલાઇન શિક્ષણ અને માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓની એકાગ્રતા, લેખન ક્ષમતા અને મૂળભૂત પાયો નબળો પડ્યો છે. સ્પર્ધાત્મક માહોલમાં ટકી રહેવા માટે પ્રત્યક્ષ શિક્ષણ જ એકમાત્ર યોગ્ય વિકલ્પ છે તેમ ઉર્વિશ પટેલ અને ભાવેશ વેકરીયાએ ઉમેર્યું હતું.