Loading Please Wait !!!
પરાબજારમાં મોતનું મકાન!

ભીડભંજન શેરીમાં ‘ટાઈમ બોમ્બ’ સમાન જર્જરિત મકાન, તંત્ર નિષ્ક્રિય

તંત્ર મોટી હોનારતની રાહમાં, વરસાદમાં આ મકાન તો ગયું સમજો : રાહદારીઓ ઉપર જોખમ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરના અતિ વ્યસ્ત ગણાતા પરાબજાર વિસ્તારમાં આવેલ ભીડભંજન શેરી નં. ૧ માં એક મકાન ઘણા વર્ષોથી બંધ હાલતમાં પડી રહ્યું છે અને હાલ તે અતિ જર્જરિત તથા ભયજનક સ્થિતિમાં પહોંચી ગયું છે.

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર આ મકાન કોઈપણ સમયે ધરાશાયી થવાની સંભાવના ધરાવે છે, જેના કારણે આસપાસના લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.

વિશેષ નોંધનીય છે કે આ શેરી પરાબજારથી સટ્ટાબજાર, દાણાપીઠ અને મોચી બજાર જેવા મહત્વપૂર્ણ વિસ્તારોને જોડે છે, જેના કારણે અહીં દિવસભર અસંખ્ય રાહદારીઓની અવરજવર રહેતી હોય છે. આવી સ્થિતિમાં જો આ મકાન ધરાશાયી થાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને જાનહાનિ થવાની પણ શક્યતા નકારી શકાય નહીં.

સ્થાનિક લોકોએ તંત્રને અનેક વખત જાણ કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તેવી પણ ફરિયાદ ઉઠી રહી છે. તેથી લોકોમાં રોષ સાથે ચિંતા પણ વધી રહી છે. જનહિતને ધ્યાનમાં રાખીને તંત્રે તાત્કાલિક આ જર્જરિત મકાન અંગે યોગ્ય કાર્યવાહી કરી સલામતીના જરૂરી પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.

આ બાબતને લગતા ફોટા અને વિડીયો પણ સંબંધિત સત્તાધિકારીઓને મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.