પચ્છેગામના બિનહરીફ સરપંચનું રાજીનામું
- ઉંમરનો હવાલો આપી અચાનક રાજીનામું ધરી દેતા વલ્લભીપુર પંથકમાં ખળભળાટ
સિટી ન્યૂઝ@ વલ્લભીપૂર : ઘણી જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી બીજેપીએ બિનહરીફ કબજે કરી હતી. તો ઘણી બેઠકો પર વિપક્ષોની ડિપોઝિટ પણ જપ્ત થઈ તેવો દેખાવ ભાજપે કર્યો હતો. જો કે વલ્લભીપુર પંથકમા બ્રિજરાજસિંહ ગોહિલ સરીખા ભાજપના પૂર્વ સભ્યોએ બળવો કરીને ચૂંટણી જંગમાં ઝુકાવી ઝળહળતી સફળતા મેળવી હતી. ત્યારે હવે પચ્છેગામ ગ્રામ પંચાયત માં સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયેલા ચંદ્રસિંહ નિરુભા ગોહિલે અચાનક રાજીનામું ધરી દેતા પંથકમાં ભારે ચર્ચા ઉદભવી છે.
વલ્લભીપુર તાલુકા વિકાસ અધિકારીને સંબોધીને લખાયેલા ચાર લીટીના રાજીનામા પત્રમાં તેમણે જણાવ્યું હતું કે મારી ઉંમરના હિસાબે હું ગ્રામ પંચાયત કક્ષાએ કાર્ય કરવા શક્તિમાન ન હોવાથી રાજીનામું આપું છું. વલ્લભીપુર તાલુકા પંચાયત કચેરીમાં રજૂ કરેલું રાજીનામું તરત સ્વીકારી પણ લેવામાં આવ્યું હતું. આ રાજીનામું આપતા સમયે તેમની સાથે ના પ્રદ્યુમ્નસિંહ ગોહિલ પણ ઉપસ્થિત હોય એવી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અનેકોનેક ચર્ચાએ જોર પકડ્યું છે.