Loading Please Wait !!!
મોરબીમાં ડીઝલની ભયંકર અછત ઉદ્યોગો અને ખેડૂતો પાયમાલ

=> ખાનગી કંપનીઓના પંપ બંધ થતાં સરકારી પંપો પર વાહનોની લાંબી કતારો, જનતા બેહાલ

=> ટ્રાન્સપોર્ટ અને સિરામિક ઉદ્યોગ ઠપ્પ થવાના આરે, 10000 સામે માત્ર 2000 ટ્રકો જ કાર્યરત

=> લોકોની સંગ્રહખોરીના કારણે 2 દિવસનો સ્ટોક  4 કલાકમાં ખાલી, તંત્ર દ્વારા ઓનલાઈન મોનિટરિંગ શરૂ

સિટી ન્યૂઝ@મોરબી

ઔદ્યોગિક નગરી મોરબી અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલની સર્જાયેલી તીવ્ર અછતને કારણે પ્રજા ત્રાહિમામ્ પોકારી ઉઠી છે. વાહનોમાં ઇંધણ પુરાવવા માટે આમ જનતાને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડી રહ્યું છે. નાયરા અને જિઓ-બીપી જેવી ખાનગી કંપનીઓએ સપ્લાય બંધ કે મર્યાદિત કરી દેતા સમગ્ર જિલ્લાનું ભારણ હવે સરકારી કંપનીઓના પંપો પર આવી ગયું છે, જેના કારણે સરેરાશ નાગરિકનો કિંમતી સમય અને નાણાં બંને વેડફાઈ રહ્યા છે.

એક તરફ મોંઘવારીનો આકરો માર છે, ત્યારે બીજી તરફ કટોકટીના આ સમયે જ ખેડૂતોને પૂરતું ડીઝલ ન મળતા ખેતીના કામો સદંતર અટકી પડ્યા છે. વાવણી અને લણણીની સિઝન હોવા છતાં ખેડૂતોને પંપ પરથી માંગ સામે માત્ર અડધો જ જથ્થો આપવામાં આવી રહ્યો છે. જો ખેડૂતને સમયસર ઇંધણ નહીં મળે તો આગામી સમયમાં અનાજ અને શાકભાજીના ભાવ આસમાને પહોંચશે, જેની સીધી અસર સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર પડશે.

ટ્રાન્સપોર્ટ અને સિરામિક ઉદ્યોગ મોરબીની આર્થિક કરોડરજ્જુ સમાન છે. ડીઝલના અભાવે દરરોજ દોડતી 8000 થી 10000 ટ્રકો સામે અત્યારે માત્ર 2000 જેટલી જ ટ્રકો રસ્તા પર જોવા મળી રહી છે, જેનાથી માલસામાનની હેરફેર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. જો આગામી 5 દિવસમાં આ ભયંકર સ્થિતિ નહીં સુધરે તો સિરામિક કારખાનાઓ કાયમી બંધ કરવા પડે તેવી નોબત આવી શકે છે. કારખાના અને ટ્રાન્સપોર્ટ બંધ થવાથી અહીં કામ કરતા હજારો ગરીબ અને મધ્યમવર્ગીય શ્રમિકોની રોજીરોટી છીનવાઈ જવાનો ભય ઊભો થયો છે.

=> ઇન્ડસ્ટ્રીયલ ભાવ વધતા છૂટક પંપો પર પડાપડી

કંપનીઓ દ્વારા ઉદ્યોગોને અપાતા ડાયરેક્ટ સપ્લાય (કન્ઝ્યુમર પંપ) માટે ડીઝલનો ભાવ 140 રૂપિયાથી વધુ કરી દેવાયો છે. આ કમરતોડ ભાવવધારાને કારણે મોટા વપરાશકારો પણ ત્યાંથી ખરીદી કરવાને બદલે સામાન્ય જનતા માટેના છૂટક પંપો પરથી જથ્થાબંધ ખરીદી કરી રહ્યા છે. પરિણામે, સામાન્ય વાહનચાલકોને ડીઝલ મેળવવામાં ફાંફા પડી રહ્યા છે.

=> સંગ્રહખોરી અટકાવવા તંત્રનું ઓનલાઈન મોનિટરિંગ

બીજી તરફ, જિલ્લા પુરવઠા અધિકારી ગોહિલે પ્રજાને ગભરાટમાં આવીને સંગ્રહખોરી ન કરવા કડક સૂચના આપી છે. તંત્રના દાવા મુજબ, મોરબીમાં સામાન્ય કરતાં 30% વધુ પુરવઠો ઠલવાઈ રહ્યો છે, પરંતુ લોકો આગોતરો સંગ્રહ કરી રહ્યા હોવાથી 2 દિવસનો સ્ટોક માત્ર 3 થી 4 કલાકમાં જ ખાલી થઈ જાય છે. જનહિતમાં તંત્ર દ્વારા તમામ પેટ્રોલ પંપના ડેટાનું ઓનલાઈન મોનિટરિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી કૃત્રિમ અછત ઊભી કરનારાઓ અને સંગ્રહખોરો સામે આકરા પગલાં ભરી શકાય.