ભાયાવદર સમૂહ લગ્નોત્સવથી ગુંજી ઉઠ્યું : 25 દિકરીઓને મળ્યો નવો જીવનસાથી
=> મકનબાપા સેવાધામનું સફળ આયોજન
સિટી ન્યૂઝ@ભાયાવદર
મકનબાપા સેવાધામ ભાયાવદર અને ચાવડા-રાવરાણી પરિવાર દ્વારા મકનબાપા મંદિરની 25મી રજત જયંતી નિમિત્તે તા. 17 મે, રવિવારના રોજ વાણંદ સમાજની 25 દિકરીઓનો ભવ્ય
સમૂહ લગ્નોત્સવ ભવ્યાતિ ભવ્ય રીતે યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા, શરદ લાખાણી (માજી પ્રમુખ, અમરેલી જિલ્લા પંચાયત), રામભાઈ સાનેપરા (માજી ચેરમેન, બાંધકામ સમિતિ, અમરેલી), વિજયભાઈ દેસાઈ (VHP પ્રમુખ), રજનીભાઈ બુંધેલીયા (આર.વી. ફર્નિચર) તેમજ ધર્મેશ પટેલ (શિવ કુંવરબા ટ્રસ્ટ, અયોધ્યાજી) સહિતના મહાનુભાવો અને સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
તમામ આગેવાનોએ 25 નવદંપતિઓને સુખી દાંપત્ય જીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં દિકરીઓને 125થી વધુ ઘરગથ્થુ વસ્તુઓનો કરિયાવર તથા રૂપિયા 5 લાખની જીવન વીમા પોલિસી આપવામાં આવી હતી.
લગ્નોત્સવ દરમિયાન 8 હજારથી વધુ મહેમાનોએ પ્રસાદરૂપે ભોજન લીધું હતું. નાસિક ઢોલ સાથે જાનનું ભવ્ય સ્વાગત અને દિકરીઓની કોલ્ડ ફાયર સાથે એન્ટ્રી કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બન્યા હતા.
બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. ત્રીજા સમૂહ લગ્નોત્સવ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સમગ્ર આયોજનમાં યોગદાન આપનાર દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.