Loading Please Wait !!!
મહારાણા પ્રતાપજીને પુષ્પાંજલિ

  • 486મી જન્મ જયંતિ નિમિત્તે મહાઆરતી સાથે ભવ્ય ઉજવણી
  • સોરઠિયા વાડી ગાર્ડન અને સર્કલનું નામકરણ મહારાણા પ્રતાપજીના નામે કરવા રજૂઆત

સીટી ન્યૂઝ@રાજકોટ

હિન્દવા સૂરજ, સનાતન ધર્મરક્ષક અને વીર શિરોમણી મહારાણા પ્રતાપજીની ૪૮૬મી જન્મ જયંતિ નિમિત્તે રાજકોટ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિક્રમ સંવત મુજબ જેઠ સુદ ત્રીજના પાવન દિવસે યોજાયેલા કાર્યક્રમમાં શાસ્ત્રોક્ત વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાઆરતી અને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન સોરઠિયા વાડી ગાર્ડન ખાતે સ્થાપિત મહારાણા પ્રતાપજીની પ્રતિમા સમક્ષ વિવિધ સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સોરઠિયા વાડી ગાર્ડનનું નામ “શ્રી મહારાણા પ્રતાપજી ગાર્ડન” અને સોરઠિયા વાડી સર્કલનું નામ “શ્રી મહારાણા પ્રતાપજી ચોક” રાખવા માટે કોર્પોરેટરો સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આગેવાનોએ જણાવ્યું હતું કે આ પ્રકારનું નામકરણ યુવા પેઢીને રાષ્ટ્રપ્રેમ, સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાથી પ્રેરિત કરશે. કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ ઓબીસી સમિતિના ચેરમેન મહેશભાઈ રાજપુતનું કરણી સેના અને શ્રી રાજપૂત સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં રાજકીય આગેવાનો, ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી, મહિલાઓ, વડીલો અને યુવા બંધુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ મહારાણા પ્રતાપજીના શૌર્ય, રાષ્ટ્રભક્તિ અને ધર્મરક્ષણના આદર્શોને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આયોજકોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ સામાજિક, રાજકીય અને યુવા આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.