Loading Please Wait !!!
જમીન સંબંધિત તમામ સેવાઓ હવે તાલુકા કક્ષાએ મળશે

=> લેન્ડ રેકોર્ડ્સ વિભાગનું વિકેન્દ્રીકરણ મહેસૂલ વિભાગનો નિર્ણય

=> જમીન માપણી, રેકોર્ડ સુધારણા અન્ય ટેકનિકલ કામો માટે લોકોને જિલ્લા કચેરીનો સંપર્ક કરવો પડતો હતો

સિટી ન્યૂઝ@ગાંધીનગર

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે જમીન દફતર (લેન્ડ રેકોર્ડ્સ) વિભાગના વિકેન્દ્રીકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ જિલ્લા કક્ષાએ કાર્યરત જમીન દફતર નિરીક્ષક વર્ગ-૨ની ૧૩૮ જગ્યાઓને તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે તાલુકા કચેરીઓમાં આ જગ્યાઓ કાર્યરત કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. સરકારના નિર્ણય મુજબ જમીન દફતરની કામગીરી વધુ ઝડપથી અને અસરકારક રીતે થાય તેમજ ખેડૂતો, જમીનધારકો અને અરજદારોને જિલ્લા મથક સુધી ધક્કા ન ખાવા પડે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. અત્યાર સુધી અનેક જમીન માપણી, રેકોર્ડ સુધારણા અને અન્ય ટેકનિકલ કામો માટે લોકોને જિલ્લા કચેરીનો સંપર્ક કરવો પડતો હતો,

પરંતુ હવે તાલુકા સ્તરે જ વધુ સેવાઓ ઉપલબ્ધ બનશે. પરિપત્ર અનુસાર જિલ્લા નિરીક્ષક જમીન દફતર વર્ગ-૨ના સંવર્ગની કેટલીક જગ્યાઓના નામાભિધાનમાં સુધારો કરીને તેને જમીન દફતર નિરીક્ષક તરીકે કાર્યરત કરવામાં આવી છે. સાથે જ નવી રચાયેલી ૧૩૮ જગ્યાઓને રાજ્યભરની વિવિધ તાલુકા કચેરીઓમાં ફાળવવાનો નિર્ણય લેવાયો છે. સરકારનું માનવું છે કે તાલુકા કક્ષાએ ટેકનિકલ સ્ટાફ ઉપલબ્ધ થતાં જમીન સંબંધિત કામગીરીમાં ઝડપ આવશે, અરજીઓના નિકાલનો સમય ઘટશે અને સ્થાનિક સ્તરે નાગરિકોને વધુ સારી સુવિધા મળશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અને જમીનધારકો માટે આ નિર્ણય રાહતરૂપ સાબિત થશે.