Loading Please Wait !!!
જાફરાબાદમાં 15 ઓગસ્ટ સુધી યાંત્રિક માછીમારી પર પ્રતિબંધ

=> માછલીઓના પ્રજનન માટે 1 જૂનથી અમલમાં મુકાશે ફિશિંગ બાન

સિટી ન્યૂઝ@ધર્મેશ મહેતા-રાજુલા

જાફરાબાદ અને આસપાસના દરિયાઈ વિસ્તારમાં માછલીઓના પ્રજનન અને સંવર્ધનને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ ચોક્કસ સમયગાળા માટે 'ફિશિંગ બાન' (માછીમારી પ્રતિબંધ) અમલમાં મુકાયો છે. ભારત સરકારના કૃષિ, પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રાલય તથા ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા સાગરખેડૂઓ માટે આ અંગેનું એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર મુજબ, ભારતીય વિશિષ્ટ આર્થિક ઝોન (EEZ) હેઠળ પશ્ચિમ દરિયાકાંઠા વિસ્તારમાં 1 જૂન 2026 થી 31 જુલાઈ 2026 સુધી એટલે કે સળંગ 61 દિવસ ફિશિંગ બાન રહેશે.

જ્યારે ગુજરાત મત્સ્યોદ્યોગ નિયમ 2003 અનુસાર ગુજરાતના પ્રાદેશિક જળ વિસ્તારમાં 1 જૂનથી 15 ઓગસ્ટ 2026 સુધી (કુલ 76 દિવસ) માછીમારી પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ આદેશ અનુસાર પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય જળ વિસ્તારમાં તમામ પ્રકારની યાંત્રિક બોટો અને હોડીઓ દ્વારા થતી માછીમારી પ્રવૃત્તિઓ બંધ રાખવાની રહેશે. નાના અને પરંપરાગત માછીમારોની આજીવિકાને ધ્યાને રાખીને નોન-મોટરાઈઝ્ડ ક્રાફ્ટ, લાકડાની બિન-યાંત્રિક હોડીઓ, સઢવાળી હોડીઓ તથા પગડિયા માછીમારીને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.

મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ સરકારી આદેશનો અનાદર કરનાર સામે ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો 2003 ની કલમ 6.(1)(ટ) ના ભંગ બદલ કલમ 21(1)(ચ) મુજબ કડક કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તમામ સાગરખેડૂઓને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો છે.