જાડેજા બ્રધર્સ ઈન્વેસ્ટમેન્ટ પેઢીના ઉઠામણાં? ઓફિસે તાળા;
લોકોના 20 કરોડ ફસાયા?
જાડેજા પૃથ્વીરાજસિંહે પોલીસમાં અરજી પણ કરી હતી
16મી જાન્યુઆરીએ દામીની નામની યુવતીએ પોલીસ ફરિયાદ કરી હતી તેના 10 લાખ રૂપિયા હતા
રોકાણ કરનાર લોકોને નફાનું ચૂકવણું નહીં કરાતા આખો ભાંડાફોડ થયો
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં મોટું આર્થિક કૌભાંડ બહાર આવતાં હડકંપ મચી ગયો છે. જાડેજા બ્રધર્સ નામની ઈન્વેસ્ટમેન્ટ પેઢી સામે કરોડો રૂપિયાના બૂચના ગંભીર આરોપો લાગ્યા છે. દર મહિને ૩% વ્યાજની લાલચ આપી સામાન્ય લોકોને ફસાવ્યા બાદ સંચાલકો ઓફિસ પર તાળાં મારી ગાયબ થઈ ગયાની ચર્ચા જોર પકડી રહી છે.
ફરિયાદી પુષ્પરાજસિંહ જાડેજાએ પોલીસ મથકે લેખિત અરજી આપીને ખુલાસો કર્યો છે કે ભ્રામક જાહેરાતો અને ઊંચા નફાના વાયદાઓ દ્વારા અનેક લોકોને સ્કીમમાં જોડવામાં આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આ કૌભાંડ ૧૫ થી ૨૦ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
રોકાણકારો હવે ધક્કા ખાતા ફરતા થયા છે અને પોતાની મહેનતની કમાણી પાછી મળશે કે નહીં તે અંગે ભયમાં છે.
સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ જ જૂથ સામે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આ કારણે પોલીસની ભૂમિકા પણ સવાલોના ઘેરામાં આવી છે.
સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને માંગ ઉઠી રહી છે કે આ સમગ્ર મામલો તાત્કાલિક આર્થિક ગુના શાખાને સોંપી દોષિતોને ઝડપીને કડક સજા કરવામાં આવે. હાલમાં શહેરમાં એક જ ચર્ચા છે. “કેટલા લોકોનો પૈસો ફસાયો છે અને જવાબદારો ક્યારે ઝડપાશે?”