Loading Please Wait !!!
ગુસ્સો, ડિપ્રેશન અને હિંસા નવી પેઢી ખતરનાક દિશામાં !

» ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીના અભ્યાસે ઉઘાડ્યું ચિંતાજનક ચિત્ર

» યંગસ્ટર્સ હાથમાંથી નીકળી રહ્યા છે અભ્યાસે આપી ચેતવણી

» સોશિયલ મીડિયા અને ફેમિલી પ્રેશરથી યુવાનો બન્યા ટાઇમ બોમ્બ

» યુવા વિદ્યાર્થીઓમાં શારીરિક હિંસા તો યુવતીઓમાં સામાજિક બહિષ્કારનું પ્રમાણ

સિટી ન્યૂઝ@રાજકોટ

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સાયકોલોજી પીએચડી સ્ટુડન્ટનિલ પરમારે અભ્યાસ કર્યો છે, રિસર્ચે યંગસ્ટર્સમાં આક્રમક વલણ પાછળના પરિબળો પર રિસર્ચ કર્યું છે. પેરેન્ટ્સનું પ્રોત્સાહન, પરિવારમાં સંતાનોની સંખ્યા, જેન્ડર જેવા મુદ્દા બાળકોના માનસિક સ્વભાવ પર કેવી અસર કરે છે, તેનું એનાલિસિસ કરાયું છે. શહેરના ૪૦૦ કોલેજ સ્ટુડન્ટ્સ પર કરાયેલ અભ્યાસે સમાજ માટે સવાલ ઊભો કર્યો છે. ૧૬-૨૦ વર્ષની વયના યુવાનોમાં એંગર ઇશ્યૂ, ઇમોશનલ અસ્થિરતામાં વધારો થયો છે. અભ્યાસ મુજબ, આધુનિક સમયમાં ન્યૂલ અને સિંગ પેરેન્ટ્સની વ્યસ્તતાને કારણે બાળકોમાં એકલતાનું પ્રમાણ વધ્યું છે. જ્યારે કોઈ બાળકને ઘરમાં પૂરતો સમય કે ભાવનાત્મક ટેકો નથી મળતો, ત્યારે તેનામાં અસુરક્ષાની ભાવના જન્મે છે. આ અસુરક્ષા ક્યારેક ડિપ્રેશન તો ક્યારેક હિંસક આક્રમકતા સ્વરૂપે સામે આવે છે. અભ્યાસ અનુસાર, જે બાળકોના ઘરમાં સતત ઝઘડા અથવા પેરેન્ટ્સ વચ્ચે બોલાચાલી થાય છે. તે બાળકોમાં બિહેવિયર સંબંધી ગંભીર વિકૃતિઓ જોવા મળે છે. વધુમાં, આક્રમકતાના સ્વરૂપોમાં પણ જેન્ડર મુજબ તફાવત જોવા મળ્યો છે. મેલ બાળકોમાં શારીરિક હિંસા અને મૌખિક અપશબ્દો તરફ વળે છે, જ્યારે ફિમેલમાં સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવી કે સામાજિક બહિષ્કાર જેવી પરોક્ષ આક્રમકતાનું પ્રમાણ વધુ છે. હિંસક મીડિયા કોન્ટેન્ટ અને ગેમ્સ આમાં વધારો કરે છે, યુવાનો જ્યારે પોતાના જીવનના લક્ષ્યો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાય છે અથવા સામાજિક સ્વીકૃતિ મેળવી શકતા નથી, ત્યારે ઉદ્ભવતી હતાશા તેમને આક્રમક બનાવી રહી છે. અભ્યાસ મુજબ જો સમયસર યંગસ્ટર્સને યોગ્ય માર્ગદર્શન અને ઇમોશનલ સપોર્ટ નહીં મળે, તો ભવિષ્યમાં માનસિક સ્વાસ્થ્યનું મોટું સંકટ ઊભું થઈ શકે છે.

આક્રમકતા પાછળના મુખ્ય ટ્રિગર્સ

યુવાનોમાં ગુસ્સો અને આક્રમકતા રાતોરાત નથી આવતી તેની પાછળ અનેક સાયકોલોજિકલ અને પર્યાવરણીય કારણો જવાબદાર છે. પ્રથમ કારણ હતાશા છે. જ્યારે મહેનત છતાં પરિણામ ન મળે ત્યારે, આક્રમકતા વધે છે. બીજું, સોશિયલ લર્નિંગ, ફિલ્મો અને ગેમ્સમાં હિંસાને ગ્લોરિફાય કરાઈ છે. જે બાળકો શીખે છે. ત્રીજું પર્યાવરણીય તણાવ, ગરમી, ઘોંઘાટ ચીડિયાપણું વધારે છે.

પેરેન્ટિંગ અને સોલ્યુશન: શું કરવું?

આ સમસ્યાનો ઉકેલ માત્ર શિસ્તમાં નથી, સંવાદમાં છે. માતા-પિતાએ બાળકોની ભૂલો પર ટીકા કરવાને બદલે તેમની વાત સાંભળવી જોઈએ. યુવાનોને તણાવ સામે લડવાની તંદુરસ્ત પદ્ધતિ, જેમ કે રમતગમત અથવા યોગ તરફ વાળવા જોઈએ ડિજિટલ ડિટોક્સ અને હિંસક કોન્ટેન્ટ પર દેખરેખ રાખવી જરૂરી છે. શૈક્ષણિક સંસ્થામાં માનસિક સ્વાસ્થ્ય માટે ખાસ કાઉન્સિલિંગ સેન્ટર હોવા જોઈએ.

અભ્યાસના તારણો અસરકારક બાબત

• અશાંત ફેમિલી બેકગ્રાઉન્ડ ધરાવતા બાળકોમાં આક્રમકતા સહિત ઇમોશનલ અને વર્તણૂક સંબંધી સમસ્યાઓનું સ્તર સૌથી ઊંચું જોવા મળે છે.

• બાળકોમાં મૂંઝવણ, આઇડેન્ટિટી ક્રાઇસિસ અને ઇમોશનલ અસ્થિરતા દ્વારા ચિહ્નિત થયેલ છે, જે તેમને તણાવ અને વર્તણૂક સંબંધી સમસ્યાઓ તરફ વધુ પ્રેરિત કરે છે.

• સામાજિક અપેક્ષાઓ પૂરી કરવામાં અથવા બદલાતા મૂલ્યો સાથે અનુકૂલન સાધવામાં અસમર્થતાને કારણે યુવાનોમાં હતાશા, લઘુતાગ્રંથિ અને સામાજિક એકલતા જન્મે છે.

• બાળકોમાં મૂડ સ્વિંગ્સ ગુસ્સો અને ચિંતા સામાન્ય બાબત જ છે, ખાસ કરીને જ્યારે તેમની પાસે યોગ્ય ટેકો અને માર્ગદર્શનનો અભાવ હોય.

• જ્યારે બાળકો તેમના લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અસમર્થ હોય છે અથવા અવરોધોનો સામનો કરે છે, ત્યારે તેઓ આક્રમક વર્તણૂક વિકસાવે તેવી શક્યતા વધુ હોય છે.

• સોશિયલ મીડિયા, ગેમ્સ અને આક્રમક રોલ મોડેલના સંપર્કમાં આવવાથી યંગસ્ટર્સમાં આક્રમક કૃત્યો કરવાની પ્રેરણા અને સંભાવના વધી જાય છે.