Loading Please Wait !!!
S.T ડ્રાઈવર બસ ચલાવતી વખતે ફોન નહીં વાપરી શકે

-> ગુજરાત એસ.ટી. નિગમનો મોટો આદેશ 

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુરક્ષા અને કર્મચારીઓમાં શિસ્ત જાળવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમે ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય સ્ટાફ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે, જેમાં ફરજ દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ પર કડક નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચનાઓ અનુસાર હવે એસટી બસ ચલાવતી વખતે ડ્રાઈવરો કોઈપણ સંજોગોમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકશે નહીં. ડ્રાઈવિંગ દરમિયાન મોબાઈલના ઉપયોગને કારણે અકસ્માતનું જોખમ વધતું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. માત્ર ડ્રાઈવરો જ નહીં, પરંતુ કંડક્ટર અને અન્ય કર્મચારીઓને પણ ફરજ દરમિયાન બિનજરૂરી મોબાઈલ વપરાશથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. નિગમનું માનવું છે કે ડ્યુટી દરમિયાન મોબાઈલમાં વ્યસ્ત રહેવાને કારણે કામગીરીની ગુણવત્તા અને મુસાફરોની સેવા પર અસર પડી શકે છે. નવી માર્ગદર્શિકા હેઠળ કર્મચારીઓને ડ્યુટી દરમિયાન રીલ બનાવવી, ફોટોગ્રાફી કરવી અથવા સોશિયલ મીડિયા પર કોઈપણ પ્રકારનું કન્ટેન્ટ પોસ્ટ કરવાનું ટાળવા સૂચના આપવામાં આવી છે. નિગમે સ્પષ્ટ કર્યું છે કે આવી પ્રવૃત્તિઓ કર્મચારીઓનું ધ્યાન ભંગ કરે છે અને સલામતી માટે જોખમ ઊભું કરી શકે છે.

નિગમના જણાવ્યા મુજબ આ નિર્ણયનો મુખ્ય હેતુ મુસાફરોની સુરક્ષા વધારવાનો, કામગીરીને વધુ અસરકારક બનાવવાનો અને કર્મચારીઓમાં જવાબદારીની ભાવના મજબૂત કરવાનો છે. GSRTCએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર કરાયેલી સૂચનાઓનું પાલન ન કરનાર કર્મચારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે, રાજ્યમાં લાખો મુસાફરો રોજ એસટી સેવાનો ઉપયોગ કરતા હોવાથી સલામત અને જવાબદાર સેવા સુનિશ્ચિત કરવા માટે આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારના નિયમો અમલમાં આવવાથી માર્ગ અકસ્માતો ઘટાડવામાં અને જાહેર પરિવહન સેવાઓને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ મળશે.