Loading Please Wait !!!
ગુજરાત કોંગ્રેસમાં ‘ડખાડૂખી’ , અમિત ચાવડાને પાડી દેવાનો ખેલ?

=> કોંગ્રેસમાં કલહ તેજ : પોતાના જ નેતાઓ બન્યા વિરોધી

=> કોંગ્રેસ પાર્ટીમાં રહી ભાજપ નેતાઓ સાથે ભાગીદારી કરનારાઓને બહાર કાઢો : કાર્યકરોનો ગુસ્સો ફાટ્યો

=> ઠેર-ઠેર ચાવડાને મળતું સમર્થન : વિરોધી ગ્રુપ સામે ઉઠ્યા સવાલો

=> અમિત ચાવડાના સમર્થનમાં કોંગ્રેસના મોટાભાગના કાર્યકરો અને આગેવાનો આવ્યા આગળ “ભાજપ સાથે જોડાણ ધરાવતા તત્વો પહેલા ખુલ્લા પાડો” : કાર્યકરોમાં રોષ કોંગ્રેસમાં નવનિર્માણ નહીં, પ્રદેશ પ્રમુખ બદલાવાનું સ્કિપ્ટેડ અભિયાન?

સિટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી “નવનિર્માણ અભિયાન” ના નામે શરૂ થયેલી આંતરિક હલચલ હવે ખુલ્લા રાજકીય વિવાદમાં પરિવર્તિત થતી જોવા મળી રહી છે. પ્રદેશ કોંગ્રેસના કેટલાક નેતાઓ દ્વારા સંગઠનની વર્તમાન કામગીરી સામે સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના જ એક મોટા વર્ગનું માનવું છે કે આ સમગ્ર અભિયાન પાછળ વ્યક્તિગત મહત્વકાંક્ષા અને આંતરિક ગ્રુપબાજી જવાબદાર છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ઉમાકાંત માંકડ, ગૌરવ પંડ્યા સહિતના કેટલાક આગેવાનો દ્વારા પ્રદેશ કોંગ્રેસના નેતૃત્વને નિશાન બનાવી એક સુનિયોજિત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના જ અનેક આગેવાનોનું માનવું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન માટે માત્ર પ્રદેશ પ્રમુખને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી.

કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોનુ જે રાજકીય પરિપક્વતા છે તેનું માનવું કરે છે કે ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનું સંગઠન અત્યંત મજબૂત રહ્યું છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના પ્રવેશ બાદ સરકાર વિરોધી મતોમાં વિભાજન થવું પણ કોંગ્રેસ માટે મોટું પડકારરૂપ બન્યું છે. તે ઉપરાંત કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ અને વિવિધ સરકારી એજન્સીઓના દુરુપયોગના આરોપો પણ વારંવાર સામે આવતા રહ્યા છે. આવા સંજોગોમાં કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મજબૂત રીતે મેદાનમાં ટકી રહી લડત આપી હતી તે બાબત પણ અવગણવી ન જોઈએ, એવી લાગણી કાર્યકરોમાં જોવા મળે છે.

મોટાભાગના કોંગ્રેસના કાર્યકરોનુ માનવું છે કે અમિત ચાવડાએ પ્રદેશ પ્રમુખ તરીકે સતત મેદાનમાં રહી કામગીરી કરી છે. યાત્રાઓ, જનઆંદોલનો, વિવિધ મુદ્દાઓ પર આક્રમક કાર્યક્રમો અને ચૂંટણી દરમિયાન ઉમેદવારોના સંગઠનાત્મક તેમજ આર્થિક સહકાર આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પક્ષના કાર્યકરોમાં ચર્ચા છે કે સમગ્ર રાજ્યનું સંગઠન સંભાળવું માત્ર સોશિયલ મીડિયા પોસ્ટથી શક્ય નથી, પરંતુ તેમાં વહીવટી, આર્થિક, સામાજિક અને રાજકીય તમામ પાસાઓનું સંતુલન જરૂરી બને છે.

કોંગ્રેસ હાઈકમાન્ડ અમિત ચાવડા પર વિશ્વાસ મૂકે છે તેનું કારણ તેમની “ચોખ્ખી રાજકીય છબી” હોવાનું પણ સમર્થકો કહી રહ્યા છે. કાર્યકરોમાં એવી ચર્ચા છે કે અમિત ચાવડાને લઈને ક્યારેય ભાજપ અથવા ઉદ્યોગપતિઓ સાથે સાંઠગાંઠના ગંભીર આરોપો સામે આવ્યા નથી, જ્યારે કેટલાક અન્ય નેતાઓ પર આવા આક્ષેપો ભૂતકાળમાં થતા રહ્યા છે.

કોંગ્રેસના સમર્થકો દ્વારા વધુ એક સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે જ્યારે અગાઉ જગદીશ ઠાકોર અને શક્તિસિંહ ગોહિલ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે પણ ચૂંટણી પરિણામો અનુકૂળ ન હતા, ત્યારે “નવનિર્માણ અભિયાન” જેવી માંગ કેમ ઉઠી નહોતી? આ મુદ્દે પક્ષમાં ચર્ચા તેજ બની છે.

કોંગ્રેસના આંતરિક વર્તુળોમાં કેટલાક ગંભીર આક્ષેપો પણ ચર્ચાનો વિષય બન્યા છે. કેટલાક આગેવાનો ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે કોંગ્રેસના કેટલાક નેતાઓ અને ભાજપના નેતાઓ વચ્ચે રિયલ એસ્ટેટ, શિક્ષણ સંસ્થાઓ અને અન્ય ધંધાદારી ભાગીદારીઓ હોવાના મુદ્દે “નવનિર્માણ” અભિયાન ચલાવનાર જૂથ કેમ મૌન છે? પક્ષના જ કેટલાક કાર્યકરોનું કહેવું છે કે જો ખરેખર કોંગ્રેસને મજબૂત બનાવવાની ચિંતા હોય તો આવા મુદ્દાઓ પર ખુલ્લું વલણ અપનાવવું જોઈએ.

કોંગ્રેસના એક વર્ગમાં તો એવી પણ માંગ ઉઠી રહી છે કે આંતરિક વિષવાદ ઉભો કરતા નેતાઓ સામે હાઈકમાન્ડે કડક કાર્યવાહી કરવી જોઈએ. કાર્યકરોનું માનવું છે કે ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં આ પ્રકારના આંતરિક વિવાદો ભાજપને ફાયદો પહોંચાડી શકે છે. હાલ સમગ્ર મુદ્દે કોંગ્રેસ હાઈકમાન્ડ શું વલણ અપનાવે છે તે જોવું મહત્વપૂર્ણ બનશે, પરંતુ “નવનિર્માણ અભિયાન” હવે માત્ર સંગઠનાત્મક ચર્ચા નહીં, પરંતુ ગુજરાત કોંગ્રેસની અંદરની શક્તિપ્રદર્શનની લડાઈ બની ગઈ હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે.