Loading Please Wait !!!
ગેરકાયદેસર ટ્યુશન, ડમી શાળાઓ અને ડે-સ્કૂલ દૂષણ મુદ્દે શિક્ષણવિદો મેદાને

» સરકારી શિક્ષકોના ગેરકાયદે ટ્યુશન અને ડમી સ્કૂલો સામે સરકારમાં ઉગ્ર રજૂઆત

» દસ્તાવેજી પુરાવાઓ સાથે શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રીને કડક કાર્યવાહીની માંગ

» સમયબદ્ધ પગલાં નહીં લેવાય તો ‘શિક્ષણ બચાવો’ આંદોલનની ઉચ્ચારી ચીમકી

સીટી ન્યૂઝ@ગાંધીનગર

ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થાને કલંકિત કરતી ગેરરીતિઓ, ગેરકાયદેસર ટ્યુશન ક્લાસીસ, ડમી સ્કૂલો અને ડે-સ્કૂલ જેવી પ્રથાઓ સામે હવે શિક્ષણવિદોએ ખુલ્લો મોરચો માંડ્યો છે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન-ગુજરાત, અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ અને રાજ્યના વિવિધ જિલ્લાઓના શૈક્ષણિક સંગઠનોના પ્રતિનિધિઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને રૂબરૂ રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. ફેડરેશને રજૂઆતમાં જણાવ્યું કે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા કેટલાક શિક્ષકો નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી ખાનગી ટ્યુશન ચલાવી રહ્યા છે. સરકારી પગાર મેળવતા હોવા છતાં વિદ્યાર્થીઓને ફી આધારિત ખાનગી શિક્ષણ તરફ દોરી જવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારોમાં તો શાળાના વર્ગખંડો અને શૈક્ષણિક માળખાનો ઉપયોગ પણ ગેરકાયદેસર રીતે ટ્યુશન માટે થતો હોવાનું જણાવાયું છે. ફેડરેશને આ મામલે દસ્તાવેજી પુરાવા, ફોટોગ્રાફ્સ તેમજ સંકળાયેલા શિક્ષકોની વિગતો સરકાર સમક્ષ રજૂ કરી તાત્કાલિક તપાસની માંગ કરી છે.

આવેદનમાં રાજ્યમાં વધી રહેલી ડમી સ્કૂલો અને ગેરકાયદેસર ડે-સ્કૂલ મોડેલ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અનેક વિદ્યાર્થીઓ માત્ર બોર્ડ પરીક્ષા માટે જ શાળામાં નોંધાયેલા હોય છે, જ્યારે વાસ્તવિક અભ્યાસ કોચિંગ સેન્ટરોમાં કરવામાં આવે છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020) ના સુધારાઓને આ પ્રવૃત્તિઓ નિષ્ફળ બનાવી રહી છે. તેથી સરકાર દ્વારા વિશેષ અભિયાન ચલાવી આવા માળખાઓની ઓળખ કરી કડક પગલાં ભરવા જરૂરી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ મુજબ ગુજરાતમાં કોચિંગ સેન્ટરોના નિયમન માટે તૈયાર થઈ રહેલા કાયદાને ઝડપથી અમલમાં મૂકવાની માંગ કરાઈ છે. ફેડરેશને રાજ્યવ્યાપી સર્વે હાથ ધરી ગેરકાયદેસર ટ્યુશન અને ડમી સ્કૂલોની તપાસ માટે ૧ વિશેષ સમિતિ રચવાની તેમજ ફરિયાદો માટે રાજ્ય સ્તરે ૧ હેલ્પલાઈન અને ઓનલાઈન પોર્ટલ શરૂ કરવાની ભલામણ કરી છે. ફેડરેશનના પ્રમુખ દિલીપસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે આ લડત કોઈ વ્યક્તિ કે સંસ્થા વિરુદ્ધ નહીં, પરંતુ શિક્ષણ વ્યવસ્થાની શુદ્ધતા માટે છે. જો સરકાર સમયબદ્ધ કાર્યવાહી નહીં કરે તો રાજ્યભરમાં શિક્ષણ બચાવો અભિયાન અને લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે.