Loading Please Wait !!!
કોંગ્રેસના ખેડૂત આંદોલનને ‘આપ’નો ફૂલ ટેકો !

ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ કહ્યું : ખેડૂતોનો મુદ્દો વિવાદમાં ન ફેરવાય એટલે ટ્રેક્ટર યાત્રાથી દૂર રહેવાનો નિર્ણય

માત્ર વળતર નહીં, ખેડૂતોના હિતમાં નવો કાયદો બનાવવાની જરૂર

સીટી ન્યૂઝ@ગાંધીનગર

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોનો સળગતો મુદ્દો એટલે કે પોલીસના સહારે ખાનગી કંપનીઓ દ્વારા દાદાગીરીપૂર્વક વીજ ટ્રાન્સમિશન લાઈનોના થાંભલા નાખવાની સરકારની દમનકારી નીતિ સામે ખેડૂતો દ્વારા ખેડૂત ટ્રેક્ટર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલા બજેટ સત્ર દરમિયાન મેં ત્રણ અલગ અલગ રીતે આ મુદ્દો ઉઠાવ્યો હતો. એક વખત તારાંકિત પ્રશ્ન, એક વખત દરખાસ્ત અને એક વખત પ્રાઈવેટ મેમ્બર બિલ દ્વારા ખાનગી વીજ કંપનીઓની દાદાગીરી સામે ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લા ઘણાં દિવસોથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં જબરદસ્તીથી થાંભલા નાખવાના બનાવો સામે આવી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના કોંઢ ગામે ખેડૂતો અને વડીલો સાથે થયેલી ચર્ચામાં ખેડૂતો દ્વારા સ્વયંભૂ રીતે ખેડૂત ટ્રેક્ટર યાત્રા દ્વારા સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો નિર્ણય લેવાયો હતો. મોરબી જિલ્લાના જેતપર ગામે પણ ખેડૂતો ટ્રેક્ટર યાત્રા સાથે જોડાશે તેવી ચર્ચા થઈ હતી. ત્યારબાદ ઈસુદાન ગઢવી અને અમે સૌએ સ્પષ્ટ જણાવ્યું હતું કે ખેડૂતોના મુદ્દે અમારો સંપૂર્ણ ટેકો છે. અમે કોઈ પક્ષીય કે રાજકીય વાત નથી કરતા, પરંતુ ખેડૂતોના પ્રતિનિધિ અને સુચિંતક તરીકે ખેડૂતોના પ્રશ્નો ઉઠાવીએ છીએ.

ગોપાલ ઈટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે અમે ખેડૂત ટ્રેક્ટર યાત્રાને સમર્થન જાહેર કર્યું ત્યારે કોંગ્રેસના કેટલાક મિત્રોએ અમારી સામે કઠોર ટીકા-ટિપ્પણીઓ કરી. જો કોંગ્રેસના મિત્રો એવું ન ઈચ્છતા હોય કે અમે ખેડૂતોના મુદ્દે સહયોગ આપીએ તો પણ અમને કોઈ વાંધો નથી.

  • AAP પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન
  • મુદ્દો ભટકાય નહીં એટલા માટે રેલીમાં જોડાયો નથી 54 લાખ ખેડૂત પરિવારોની માફી માંગું છું
  • અમારે કોઈ આંદોલન હાઈજેક કરવાની જરૂર નથી

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ફેસબુક લાઈવના માધ્યમથી એક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરતા જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં ભાજપના દબાણથી કંપનીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા પોલીસનો દુરુપયોગ કરીને વીજલાઈનો નાખવામાં આવી રહી છે. જે મુદ્દે અમે જેતપર ગામે ગયા હતા અને ત્યાં ખેડૂતોની માંગ હતી કે અમે ટ્રેક્ટર રેલીમાં જોડાઈએ અને અમે પણ કહ્યું કે ખેડૂતોનો મુદ્દો અને ખેડૂતોનું કામ હોય તો અમે પણ જોડાઈશું અને આમ આદમી પાર્ટીના એક એક કાર્યકર્તાઓ પણ જોડાશે. પણ જ્યારે ખેડૂતના નામે અમુક લોકો અને અમુક પોલિટિકલ પાર્ટીઓ પોતે કોઈના ઈશારે રાજકારણ કરે અને નિવેદનો કરે ત્યારે દુખ થાય છે. તો આજે હું આ રેલીમાં નથી જોડાઈ શકતો એનું મને દુખ છે અને હું માફી માંગું છું પરંતુ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા ખેડૂતો આ ટ્રેક્ટર રેલીમાં ચોક્કસ જોડાશે.

ખેડૂતોના મુદ્દે દરેક પાર્ટીના દરેક લોકોએ જોડાવું જોઈએ, પરંતુ ખબર નહીં રાહુલ ગાંધીને શું પીડા થઈ અથવા તો અમુક લોકોના ભાજપના નેતાઓ સાથે સાંઠગાંઠ હશે એ લોકો નહોતા ઈચ્છતા કે ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી આ ટ્રેક્ટર રેલીમાં જોડાય. આ લડાઈને અમારું સમર્થન છે પરંતુ મુદ્દો ભટકાય નહીં એટલા માટે હું આ રેલીમાં જોડાવાનો નથી અને હું આ બદલ ૫૪ લાખ ખેડૂત પરિવારોને માફી માંગું છું.

વધુમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, હું ખાતરી આપું છું કે ખેડૂતોના મુદ્દાને અમે અટકવા નહીં દઈએ.