આંકડા બોલે છે કડવું સત્ય પરણેલા લોકો આત્મહત્યા કરવામાં નંબર-1
=> ચિંતાજનક અહેવાલ; દેશમાં 67.2 ટકા પરિણીત લોકોએ આપઘાત કર્યો
સિટી ન્યૂઝ@ગાંધીનગર
લગ્નને લાંબા સમયથી સામાજિક તથા પારિવારિક સ્થિરતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. જોકે, હાલના આંકડા સૂચવે છે કે, આ સ્થિરતા હાંસલ કરવા માટેનું દબાણ હવે ઘણા લોકો માટે માનસિક હતાશાનું નિમિત્ત બની રહ્યું છે.
અમુક કિસ્સાઓમાં તેના કારણે લોકો આત્મહત્યા જેવા આત્યંતિક નિર્ણયો લેવા તરફ વળતા હોવાની ચોંકાવનારી વિગતો નેશનલ ક્રાઇમ રેકોર્ડઝ બ્યૂરો (NCRB)ના અહેવાલમાં સામે આવી છે. 'એક્સિડેન્ટલ ડેથ્સ એન્ડ સ્યૂસાઇડ્સ ઇન ઇન્ડિયા, ૨૦૨૪' એવું શીર્ષક ધરાવતા એનસીઆરબીના અહેવાલ અનુસાર, દેશમાં પારિવારિક સમસ્યા હજુ પણ આત્મહત્યા પાછળનું મોટું કારણ છે.
૨૦૨૪માં આત્મહત્યાના જે ૧.૭૦ લાખ કરતાં વધુ કેસ નોંધાયા હતા, તે પૈકીના ત્રીજા ભાગ કરતાંય વધુ કેસોમાં ઉપરોક્ત કારણ જ જવાબદાર હતું. તેના પછી લાંબી કે ગંભીર બીમારી, નશીલાં દ્રવ્યોની લત અને વૈવાહિક તણાવ જેવાં કારણો જવાબદાર હોય છે.
(આત્મહત્યા એક ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે પણ તણાવનો સામનો કરી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન સાથી હેલ્પલાઇન ૧૮૦૦૨૩૩૩૩૩૦ દ્વારા મદદ મેળવી શકો છો. તમારે તમારા મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વિશે વાત કરવી જોઈએ.
એનસીઆરબીના રિપોર્ટમાં લગ્ન સંબંધિત પ્રશ્નો માટે અલગ વિભાગ સામેલ કરવામાં આવ્યો છે. તેમાં લગ્ન ન થવા, દહેજની તકરારો, લગ્ન બાહ્ય સંબંધો, છૂટાછેડા તથા લગ્નને લગતા અન્ય તણાવો જેવાં કારણોને આવરી લેવામાં આવ્યાં છે. અહેવાલ મુજબ, ૧૮થી ૩૦ વર્ષની વયના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા હતા અને તે પછીના ક્રમે ૩૦થી ૪૫ વર્ષની વયના લોકો આવતા હતા.
પ્રત્યેક એક લાખ લોકોની વસ્તીમાં થતી આપઘાતની સંખ્યાને 'આત્મહત્યા દર' કહેવામાં આવે છે. ૨૦૨૪માં સમગ્ર ભારતમાં સરેરાશ આત્મહત્યા દર (સ્યૂસાઇડ રેટ) ૧૨.૨ નોંધાયો હતો. આ માપન અનુસાર, અંદમાન અને નિકોબાર ટાપુસમૂહ (૪૦.૬) આ યાદીમાં ટોચના સ્થાને રહ્યો હતો જ્યાં દર એક લાખની વસ્તીએ ૪૧ મોત જીવન ટૂંકાવવાને કારણે નીપજ્યાં હતાં. ત્યાર પછીના ક્રમે સિક્કિમ (૩૬.૩), કેરળ (૩૦.૨), તેલંગાણા (૨૮.૬) અને છત્તીસગઢ (૨૭) જેવાં રાજ્યો રહ્યાં હતાં. દેશની રાજધાની દિલ્હીનો આત્મહત્યા દર ૧૩.૨ નોંધાયો હતો. જ્યારે ગુજરાતમાં આ દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ એટલે કે ૧૨.૪ ટકા નોંધાયો હતો. ત્યારે ગુજરાતમાં વર્ષ ૨૦૨૪માં ૮,૯૬૪ આત્મહત્યાના કેસ નોંધાયા હતા.
કારણ શું ?
■ પતિ–પત્નિ વચ્ચે સતત ઝઘડા, મતભેદ અને વિશ્વાસનો અભાવ
■ એક બીજાને સમજવાની ક્ષમતા ન હોવાને કારણે નાની બાબતો મોટા સંઘર્ષમાં ફેરવાઈ
■ સંયુક્ત પરિવારમાં એડજસ્ટમેન્ટ, સમાજની અપેક્ષાઓ અને પ્રતિષ્ઠાનો ભાર વ્યક્તિને દબાવી દે છે
■ સોશિયલ મીડિયાના કારણે દેખાડેજી વધતા ઝઘડા વધ્યા